તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
સુરત: પતિના ઈશ્કબાજીના ચક્કરમાં પત્નીએ ગુમાવ્યો જીવ, તાપીના વહેણમાં વહી ગઈ એક પરિણીતાની જિંદગી
લગ્નના માત્ર દોઢ વર્ષમાં જ સુખદ અંતને બદલે આત્મહત્યાની કરુણતા: પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અને અસહ્ય ત્રાસથી કંટાળી કુસુમે નદીમાં ઝંપલાવ્યું, ભાઈની ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો

સુરત:શહેરના અમરોલી છપરાભાટા વિસ્તારમાં રહેતા એક પરિવારની ખુશીઓને નજર લાગી ગઈ છે. અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો કેવી રીતે એક હસતા-રમતા ઘરને બરબાદ કરી શકે છે, તેનો જીવતો-જાગતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને દોઢ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલી ૨૪ વર્ષીય કુસુમ યાદવે પતિ જોગેન્દ્રકુમારના અમાનુષી માનસિક ત્રાસ અને આડા સંબંધોથી કંટાળીને તાપી નદીમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા ટૂંકાવી દીધી છે. ૧૬ ફેબ્રુઆરીએ ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયેલી કુસુમનો મૃતદેહ ત્રણ દિવસ બાદ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન પાછળ નદીના પાણીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, કુસુમના લગ્નજીવનમાં શરૂઆતથી જ કલેશ હતો. પતિ જોગેન્દ્રના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો દંપતી વચ્ચે મોટા ઝઘડાનું કારણ બનતા હતા. આ બાબતે જ્યારે પણ કુસુમ અવાજ ઉઠાવતી ત્યારે તેને ઢોર માર મારવામાં આવતો હતો. ૧૬ ફેબ્રુઆરીના રોજ પણ પતિ-પત્ની વચ્ચે આ જ મુદ્દે ઉગ્ર માથાકૂટ થઈ હતી, જેનાથી અત્યંત વ્યથિત થઈને કુસુમ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ભાઈએ બનેવી વિરુદ્ધ આક્ષેપ કર્યો છે કે જોગેન્દ્રના સતત માનસિક ત્રાસ અને તેની બેવફાઈના કારણે જ તેની બહેને આ અંતિમ ડગલું ભર્યું છે.
અશ્વિનીકુમાર પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને મૃતક કુસુમના ભાઈની ફરિયાદના આધારે પતિ જોગેન્દ્રકુમાર યાદવ વિરુદ્ધ 'આત્મહત્યા માટે દુષ્પ્રેરણા' (Abetment of Suicide) નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ આરોપી પતિની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ પત્નીના મોતના સમાચારથી પરિવારમાં માતમ છે, તો બીજી તરફ આ ઘટનાએ સુરતમાં ઘરેલું હિંસા અને લગ્નેતર સંબંધોના વધતા જતા કિસ્સાઓ સામે લાલબત્તી ધરી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
