<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

અમદાવાદના બહેરામપુરામાં પોલીસ ચોકી નજીક યુવકની કરપીણ હત્યા

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. બહેરામપુરા પોલીસ ચોકીથી તદ્દન નજીક એક અજાણ્યા યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મોડી રાત્રે અંગત અદાવત અથવા જૂની દુશ્મનીના કારણે કેટલાક અજાણ્યા શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

 હુમલાખોરોએ યુવક પર એટલા ઘા ઝીંક્યા હતા કે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ ચોકીની આટલી નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે. 

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે. 

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

(11:21 AM IST)