<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફોર્મર કંપનીમાં ભીષણ આગ: વિકરાળ આગને કાબૂમાં લેવા માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો

ભરૂચની જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં રહેલા તેલ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ ભરૂચ અને આસપાસના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. 

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે. 

જીઆઈડીસીના સુરક્ષા વિભાગ દ્વારા કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં પણ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.

(11:23 AM IST)