તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો ધડાકો: બ્લેકમેલર મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની પોલીસે કરી ધરપકડ
દીકરીના લગ્નમાં ભવાડો કરવાની ધમકી આપી મિલકતો અને કરોડો રૂપિયા પડાવનાર પૂનમ ભદોરિયા જેલના સળિયા પાછળ: મરતા પહેલા બિલ્ડરે પુત્રી પાસે ઠાલવ્યું હતું દુઃખ

સુરત: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી લીધી છે. પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જ પિતાએ લમણે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું, જેની પાછળ પૂનમ ભદોરિયા દ્વારા અપાતી માનસિક અને આર્થિક યાતનાઓ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતકની પુત્રી તન્વી ઘેલાણીએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
૧૫ વર્ષના સંબંધો અને કરોડોની ઉઘાડી લૂંટ ફરિયાદ મુજબ, તુષાર ઘેલાણી પૂનમ ભદોરિયા સાથે છેલ્લા ૧૫ વર્ષથી અનૈતિક સંબંધોમાં હતા. જોકે, આ સંબંધો બિલ્ડર માટે ફાંસો બની ગયા હતા. પૂનમે વેસુ વિસ્તારમાં આવેલી 'બ્લુ પેપિલોન' પ્રી-પ્રાયમરી સ્કૂલમાં બિલ્ડરના રોકાણ છતાં પરાણે ૫૦ ટકાની ભાગીદારી મેળવી લીધી હતી. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન તેણે પગાર સિવાય ₹૧.૩૭ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. વધુમાં, જોલી આર્કેડમાં આવેલી બે કિંમતી દુકાનો પણ દસ્તાવેજમાં દર્શાવેલ ₹૧.૦૭ કરોડ ચૂકવ્યા વગર જ પોતાના નામે કરાવી લીધી હોવાનો ગંભીર આક્ષેપ છે.
લગ્નમાં 'ભવાડો' કરવાની ધમકી આખરે જીવલેણ સાબિત થઈ બિલ્ડર તુષારભાઈ પોતાની ભૂલનો અહેસાસ કરી પૂનમથી છૂટકારો મેળવવા માંગતા હતા, પરંતુ પૂનમે તેમનું આર્થિક અને માનસિક શોષણ ચાલુ રાખ્યું હતું. દીકરી તન્વીના લગ્ન નક્કી થતા જ પૂનમે બિલ્ડરને ભીંસમાં લીધા હતા અને ધમકી આપી હતી કે, "જો તું મારી માંગણીઓ પૂરી નહીં કરે તો તારી દીકરીના લગ્નમાં આવીને ભવાડો કરીશ અને તને આખા સમાજમાં બદનામ કરી નાખીશ." આ સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડર અને સતત મળતી ધમકીઓથી કંટાળીને અંતે બિલ્ડરે પિસ્ટલ વડે આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે પૂનમની ધરપકડ કરી આ હાઈપ્રોફાઈલ કેસમાં વધુ તપાસ તેજ કરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
