News of Sunday, 22nd February 2026
વડોદરામાં રક્તરંજીત હાઈવે: જામ્બુઆ પાસે ડમ્પરના પૈડા નીચે કચડાતા એક્ટિવા સવારનું કમકમાટીભર્યું મોત
નેશનલ હાઈવે 48 પર કાળમુખા ડમ્પરે મોપેડચાલકને લીધો અડફેટે, યુવક પર પૈડા ફરી વળતા ઘટનાસ્થળે જ તોડ્યો દમ: પોલીસ તપાસ તેજ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 વધુ એકવાર લોહીલુહાણ થયો છે. શહેરના જામ્બુઆથી તરસાલી તરફ જતા માર્ગ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના મહાકાય પૈડા મોપેડચાલક પર ફરી વળ્યા હતા, જેના કારણે નિર્દોષ વાહનચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક્ટિવા સવાર જામ્બુઆ બ્રિજ ઉતરીને તરસાલી તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવાને અડફેટે લીધું હતું. અડફેટે લીધા બાદ યુવક સીધો ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો. સ્થાનિક રાહદારીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હાઈવે પર પથરાયેલા લોહીના ડાઘા અને યુવકના ક્ષત-વિક્ષત દેહને જોઈને કઠણ કાળજાના માનવીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા.
ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડ્યો છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય. વડોદરા હાઈવે પર સતત વધતા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
