તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
ગુજરાતના ઝેરીલા સાપો જ હવે બનશે 'જીવનરક્ષક': ધરમપુરના સ્નેક રિસર્ચ સેન્ટરે રચ્યો ઈતિહાસ
સ્થાનિક સાપોના ઝેરમાંથી તૈયાર થશે અકસીર એન્ટિવેનમ, હરાજીમાં ઝેરની કિંમતે સર્જ્યા નવા રેકોર્ડ

ધરમપુર (વલસાડ): ગુજરાતમાં સર્પદંશથી થતા મૃત્યુના આંકડા પર હવે જોરદાર 'બ્રેક' લાગવાની તૈયારી છે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત રાજ્ય સરકારના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધી જે સાપોનો ડર હતો, હવે તે જ સાપોના ઝેરમાંથી ગુજરાતનું પોતાનું 'લોકલ' એન્ટિવેનમ તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં અહીં કરવામાં આવેલી ઝેરની ઈ-હરાજીમાં રાજ્યના ઝેરીલા સાપોના ઝેરની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ માલૂમ પડી કે ખરીદદારોએ તેને બેઝ પ્રાઈસ કરતા પણ ઉંચી કિંમતે ખરીદ્યું છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાપનું ઝેર ભૌગોલિક પ્રદેશ પ્રમાણે બદલાતું હોય છે. અત્યાર સુધી અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી દવાઓ ગુજરાતના દર્દીઓ પર ક્યારેક ઓછી અસરકારક સાબિત થતી હતી. પરંતુ હવે ધરમપુર ખાતે ઈન્ડિયન કોબ્રા, રસેલ્સ વાયપર અને કોમન ક્રેટ જેવી સ્થાનિક પ્રજાતિના 460 જેટલા સાપોના ઝેરનો ઉપયોગ કરીને ખાસ એન્ટિવેનમ બનાવવામાં આવશે. આ દવા સીધી રીતે ગુજરાતના દર્દીઓના શરીરમાં રહેલા ઝેરને ઝડપથી નાબૂદ કરવામાં સક્ષમ હશે, જે મૃત્યુદરમાં મોટો ઘટાડો લાવશે.
ધરમપુરની આ સંસ્થામાં WHOની ગાઈડલાઈન મુજબ આધુનિક ટેકનોલોજીથી ઝેરને પાવડર સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તાજેતરની હરાજીમાં ઈન્ડિયન કોબ્રાના ઝેરની કિંમત પ્રતિ ગ્રામ રૂ.44,000 સુધી પહોંચી હતી, જ્યારે સૉ-સ્કેલ્ડ વાયપરનું ઝેર પ્રતિ ગ્રામ રૂ.56,500ના ભાવે વેચાયું હતું. આ ઝેર હવે લાયસન્સ ધરાવતા ઉત્પાદકોને અપાશે, જેમાંથી બનેલું એન્ટિવેનમ ગુજરાત સરકાર સીધું ખરીદીને રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે અથવા રાહત દરે ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ પ્રોજેક્ટ ભારત સરકારના 'નેશનલ એક્શન પ્લાન'નો એક મહત્વનો હિસ્સો છે. ટૂંક સમયમાં જ ગુજરાત પાસે પોતાનું અકસીર સુરક્ષા કવચ હશે, જે સર્પદંશ જેવી કટોકટીમાં માનવ જિંદગીઓ બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
