<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

અમદાવાદના પોશ વિસ્તારમાં હાઈટેક ચોરી: સોલાના જાણીતા સ્ટોરમાં બે કેશિયરોએ આચરી રૂ. 25 લાખની ઉચાપત

ગ્રાહકોને વાતોમાં ભોળવી બિલ વગર સામાન વેચવાની મોડસ ઓપરેન્ડી દ્વારા એક વર્ષ સુધી માલિકની આંખમાં ધૂળ નાખી તિજોરી સાફ કરનારા બે ભેજાબાજ કર્મચારીઓ સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટી ગયો ભાંડો

અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના સોલા વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જાણીતા 'સુક્રુતિ ગૃહ ઉદ્યોગ અને ગોરમે' સ્ટોરમાં ફરજ બજાવતા બે કેશિયરોએ માલિકના ભરોસાનો ખૂન કરી અંદાજે રૂ. 25.19 લાખથી વધુની મત્તાની ઉચાપત કરી છે. આ મામલે સ્ટોરના એકાઉન્ટ અને એડમિન હેડ જયમીનભાઈ શાહે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરરીતિ ત્યારે સામે આવી જ્યારે વાર્ષિક સ્ટોક ચેકિંગ દરમિયાન લાખોનો માલસામાન ઓછો હોવાનું જણાયું હતું.

ઘાટલોડિયાના રહેવાસી 28 વર્ષીય જયમીનભાઈ શાહ, જેઓ સુપ૨ સેન્ટર રીટેલ હબ પ્રા.લી.માં કાર્યરત છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત નવેમ્બર 2025માં જ્યારે સ્ટોકનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે વિગતો મેળ ખાતી નહોતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે ડિસેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધીના ગાળામાં આશરે રૂ. 24.48 લાખનો સામાન ગાયબ હતો. આ આંકડો જોઈ મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક આંતરિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા, જેમાં સ્ટોરના જ બે વિશ્વાસુ કર્મચારીઓના નામ ખુલ્યા હતા.

આ છેતરપિંડી પાછળની 'મોડસ ઓપરેન્ડી' કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. સ્ટોરના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે રાજસ્થાનનો વતની નિર્ભયસિંહ ઉર્ફે નરેન્દ્ર અને જનતાનગરનો કેશવ ગોયલ ગ્રાહકોને વાતોમાં પરોવી રાખતા હતા. ગ્રાહક સામાન ખરીદે ત્યારે તેઓ સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વગર કે બિલ આપ્યા વગર જ પૈસા લઈ લેતા હતા. દિવસના અંતે જ્યારે સ્ટોર બંધ થતો, ત્યારે બિલ વગર વેચાયેલા સામાનની આ તમામ રોકડ રકમ આ બંને કેશિયરો પોતાની પાસે રાખી લેતા હતા. ફૂટેજમાં તેઓ રોકડા રૂ. 71,000ની સીધી ચોરી કરતા પણ ઝડપાયા છે.

સીસીટીવીના મજબૂત પુરાવા અને સ્ટોક રિકન્સીલીએશન રિપોર્ટ બાદ આખરે આ બંને શખ્સો સામે કાયદાનો શિકંજો કસાયો છે. કુલ રૂ. 25,19,972ની ઉચાપત બદલ સોલા પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ રિટેલ સ્ટોરના માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે કે માત્ર કેમેરા લગાવવાથી કામ નથી ચાલતું, પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ પર સતત નજર રાખવી પણ એટલી જ અનિવાર્ય છે. પોલીસે હવે આ નાણાં ક્યાં સગેવગે કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

(4:09 PM IST)