તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બનવાની સ્થિતિમાં :સહાય આપવા ધારાસભ્ય માવજી દેસાઈએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ખેડૂતોને મળતી આવક સામે મજૂરી, બિયારણ, ખાતર અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ ઘણો વધારે :બજારની સ્થિતિ જોતા ખેડૂતોને વિઘા દીઠ અંદાજે 25 થી 30 હજાર રૂપિયાનું મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બટાકાનું બમ્પર ઉત્પાદન થયા હોવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બનવાની સ્થિતિમાં છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા રજૂઆત કરી છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું મબલખ વાવેતર થયું છે. જોકે, બજારમાં પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. માવજી દેસાઈએ પત્રમાં જણાવ્યું છે કે, ખેડૂતોને મળતી આવક સામે મજૂરી, બિયારણ, ખાતર અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ ઘણો વધારે થઈ રહ્યો છે.
ધારાસભ્યના અંદાજ મુજબ, અત્યારની બજારની સ્થિતિ જોતા ખેડૂતોને વિઘા દીઠ અંદાજે 25 થી 30 હજાર રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતી પાછળ થયેલો ખર્ચ પણ ઊભો ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે.
માવજી દેસાઈએ મુખ્યમંત્રીને ખાસ વિનંતી કરી છે કે ખેડૂતોને બટાકાના પાક માટે વહેલી તકે વિશેષ સબસીડી જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે જો સબસીડી શક્ય ન હોય, તો પાકના નુકસાનના વળતર રૂપે ખેડૂતોના બેંક ખાતામાં સીધી આર્થિક સહાય જમા કરવામાં આવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને તાત્કાલિક રાહત મળી શકે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
