News of Sunday, 22nd February 2026
અમદાવાદ શહેરમાં BRTS, AMTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રો દોડશે: 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા AMC અને રાજ્ય સરકારનું મોટું આયોજન
કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર અપાયો: રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે: રિવરફ્રન્ટ પાર્ટ -2 બાદ પાર્ટ -3નું પણ કામ શરૂ થશે

અમદાવાદ: આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન લઈને અમદાવાદીઓ માટે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં BRTS, AMTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રો દોડશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા AMC અને રાજ્ય સરકારનું આ દિશામાં મોટું આયોજન જોવા મળી રહ્યું છે, આ મામલે કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર અપાયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે.
વિગતે વાત કરીએ તો, આગામી વર્ષ 2030માં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સહિત ગુજરાત સરકાર પણ અમદાવાદના વિકાસ માટે ખાસ ધ્યાન આપી રહી છે. ત્યારે આ વિકાસ કામના ભાગરૂપે હવે અમદાવાદમાં સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડશે તેવી માહિતી સામે આવી છે.
હાલ અમદાવાદ શહેરમાં જાહેર વાહનવ્યવહાર માટે BRTS અને AMTS બસ સેવા તથા મેટ્રો રેલ સેવા ઉપલબ્ધ છે. હવે આ સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. BRTS, AMTS અને મેટ્રો રેલ બાદ હવે અમદાવાદ શહેરની વચ્ચોવચ આવેલી સાબરમતી નદીમાં હવે વોટર મેટ્રો દોડશે. આ માટે સરકારી તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રોનું ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કામગીરી થશે. જે માટે સરકારી તંત્રએ કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર આપી દીધો છે. આ કોચી વોટર મેટ્રો કંપનીએ નદીમાં વોટર મેટ્રો માટે સ્ટડી રિપોર્ટની કામગીરી શરૂ કરી દીધી છે.
હવે આ કોચી વોટર મેટ્રો કંપની આગામી એક થી બે માસમાં સ્ટડી રિપોર્ટ આપશે. આ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ રિવરફ્રન્ટ પાર્ટ -2 બાદ પાર્ટ -3નું પણ કામ શરૂ થશે, આમ વાસણાથી ગીફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ લઈ જવાનું સરકારનું આયોજન છે.
નોંધનીય છે કે, આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લઈને AMC તંત્રએ અને રાજ્ય સરકારે પણ અમદાવાદના વિકાસ માટે આ વર્ષે 2026-27ના બજેટમાં પણ વિકાસના કાર્યોની મોટી જાહેરાતો કરી છે, ત્યારે આ વિકાસના કાર્યોમાં હવે સિટીમાં વોટર મેટ્રોની પણ ખાસ જોગવાઈ થવા જઈ રહી છે, જે પ્રોજેક્ટ આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા પૂર્ણ થાય તે હેતુથી તંત્રએ આયોજન હાથ ધરાયું છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
