<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

નાંદોદ તાલુકાના અણીદ્રા એગ્રીકલ્ચર લાઇનમાંથી અનેક ગામોનું કનેક્શન હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન

સબસ્ટેશન અલગ કરવા વીજ કંપનીની આળસ ખંખેરાતી નથી: 40થી વધુ ગામો વચ્ચે એકજ સબસ્ટેશન હોવાથી ખેડૂતોને વારંવાર તકલીફ: બે વર્ષથી ખેડૂતોએ અલગ સબસ્ટેશન માંગ્યુ હોવા છતાં કોઇજ કામગીરી થઈ નથી:કૂવાના 300થી વધુ ક્નેશન હોય વારંવાર મોટરો અને કેબલ ફૂંકવાની સમસ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામા વીજ કંપની એગ્રીકલ્ચર લાઇનો બાબતે નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે નાંદોદ તાલુકાના ઘણા ગામોમાં ખેડૂતો તકલીફ વેઠી રહ્યા છે જેમાં અણીદ્રા એગ્રીકલ્ચર લાઇન માંથી અનેક ગામોનું કનેક્શન હોવાથી ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
   રુંઢ ભીલવાડામાં ખેતર ધરાવતા ખેડૂત જનકુમાર મોદીના જણાવ્યા મુજબ તેમના ખેતરમાં દસેક કિલોમીટર દૂર આવેલા છેક અનિદ્રા ગામથી અગ્રીકલચર લાઇન આવે છે અને આ લાઇન 40 જેટલા ગામોમાં જાય છે માટે વારંવાર ખેડૂતોને તકલીફમાંથી પસાર થાય છે, આ તરફ કુવાના 300 થી વધુ ક્નેશન હોય વારંવાર મોટરો અને કેબલ ફૂંકવાની સમસ્યા ઊભી થાય તેમાં ખેડૂતો આર્થિક નુકસાન વેઠે છે, છેલ્લા બે વર્ષથી અલગ સબસ્ટેશન ની અમે માંગ કરી હોવા છતાં વીજ કંપનીના અધિકારીઓ જગ્યા નથી તેવી વાતો કરતા હોવાથી જનક મોદીએ આ માટે જગ્યા શોધી અધિકારીને જાણ કરી છતાં હજુ એમનું પેટનું પાણી હાલતું નથી આ તકલીફ ના કારણે લગભગ 40 ગામોના ખેડૂતો ની મોટર અને વાયરો ફૂંકાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો વેઠવો પડે છે.ખેડૂતોનું કહેવું છે કે અમે રેગ્યુલર વીજ બિલો ભરીએ છે છતાં વીજ કંપની કેમ જરૂરી સવલત આપવામાં નિષ્ફળ છે.
બે બે વર્ષ જેવા સમયથી ખેડૂતો એ અલગ સબસ્ટેશન માંગ્યુ હોવા છતાં આ માટે કોઇજ કામગીરી થઈ નથી, જો ખેડૂત સબસ્ટેશન માટેની જગ્યા બતાવે છે છતાં અધિકારીઓ આંખ આડા કાન કેમ કરે છે.? શું કોઈ ના દબાણ માં અધિકારીઓ કામ કરે છે.? આ તરફનું સબસ્ટેશન ક્યારે અલગ થશે.? અને ખેડૂતો ક્યારે આર્થિક નુકશાનમાંથી બહાર આવશે. વહેલીતકે આ તકલીફ નો અંત નહીં આવે તો આ તરફ ના ખેડૂતો ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે.

(11:12 PM IST)