તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
પાટણ ખાતે સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી: કુલ 15 જેટલા વિવિધ કાર્યક્રમો યોજાયા :'પંચમુખી વસ્તી હિન્દૂ સંમેલન'માં જનમેદની ઉમટી
કાર્યક્રમ પૂર્વે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં 'જય શ્રી રામ' ના નાદ સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નાગરિકો જોડાયા

પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'પંચમુખી વસ્તી હિન્દૂ સંમેલન'માં જનમેદની ઉમટી પડી હતી, જે ઉત્તર ગુજરાતમાં સંઘની વધતી સક્રિયતા દર્શાવે છે. વર્ષ 1925 માં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપિત સંઘ આગામી વિજયાદશમીએ 100 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, જે અંતર્ગત પાટણ શહેરમાં કુલ 15 જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સરસ્વતી શિશુ મંદિર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં 'પંચ પરિવર્તન' એટલે કે સામાજિક સમરસતા, સ્વદેશી આચરણ, નાગરિક કર્તવ્ય, કૌટુંબિક મૂલ્યો અને પર્યાવરણ સંરક્ષણ જેવા પાયાના સિદ્ધાંતો પર ભાર મૂકી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 'જય શ્રી રામ' ના નાદ સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નાગરિકો જોડાયા હતા. ઢીમાંના પૂજ્ય સંત શ્રી જાનકીદાસજી મહારાજે આ પ્રસંગે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં હિન્દૂ સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે.
સંઘના પદાધિકારીઓના મતે, આ સંમેલનોનો મુખ્ય હેતુ માત્ર ઉત્સવ મનાવવાનો નથી, પરંતુ છેવાડાના માનવી સુધી પહોંચી સામાજિક એકતાને મજબૂત કરવાનો છે. સમગ્ર આયોજન દરમિયાન શિસ્તબદ્ધ માહોલ વચ્ચે પાટણની જનતાએ જે ઉત્સાહ દાખવ્યો તે સંઘની શતાબ્દી યાત્રાના સંકલ્પોને વેગ આપનારો સાબિત થયો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
