<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મોડીરાત્રે વડોદરા-હાલોલ હાઇવે પર કારની અડફેટે બાઇકચાલકનું મોત:કારચાલક ફરાર

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો રસ્તા પર ફંગોળાયા : બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેની સાથેનો અન્ય યુવાન ઈજાગ્રસ્ત

વડોદરા-હાલોલ હાઇવે પર 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે બનેલ ભયાનક માર્ગ અકસ્માતે એક પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રાત્રે અંદાજે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈક પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેની સાથેનો અન્ય યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં બચી ગયો હતો.

 

આ બનાવ અંગેની પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર બે યુવાનો વડોદરા-હાલોલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી એક અજાણી કારના ચાલકે આ બાઈકને જોરદાર ટક્કર મારી હોવાનું અનુમાન છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો રસ્તા પર ફંગોળાયા હતા.

 

કારની ટક્કર વાગતા જ બાઈક ચાલક રસ્તા પર પટકાયો અને તેને માથા તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભારે રક્તસ્રાવને કારણે યુવકે સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે તેની સાથે બાઈક પર સવાર અન્ય યુવકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, બીજા યુવકનો જીવ બચી ગયો હતો.

 

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. મૃતકના પરિવારજનો પણ ત્યાં પહોંચી જતા રડારડ અને રોકકળથી માહોલ ગમગીન બની ગયો હતો. માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસ ટીમે ઈજાગ્રસ્ત યુવકને તરત જ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે બીજા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે હિટ એન્ડ રનની દિશામાં ગુનો નોંધવાની તૈયારી શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ફરાર થયેલા વાહનચાલકની ઓળખ મેળવવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર બેફામ વાહન ચાલન અને બેદરકારી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

(11:49 AM IST)