News of Monday, 23rd February 2026
‘વંદે માતરમ્’ એ માત્ર ગીત નથી, રાષ્ટ્રભક્તિનો મહામંત્ર છે: તુષ્ટિકરણની નીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા, જે દેશના ભાગલાનું પાયાનું કારણ બન્યું : ૧૯૯૨માં ભાજપના પ્રયાસોથી જ સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનની પરંપરા શરૂ થઈ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાતની દીકરી મેડમ ભીખાઈજી કામાએ વિદેશની ધરતી પર ‘વંદે માતરમ્’ લખેલા ધ્વજ સાથે ભારતની શક્તિનો પરિચય કરાવ્યો હતો :ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પર ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ તા.૨૩ : ગુજરાત વિધાનસભા ખાતે ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પર ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ એ માત્ર બે શબ્દો નથી, પરંતુ ભારત માતાની ચરણવંદના કરવાની આરાધના છે. આ ગીત ગાઈને ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા, છતાં આજે પણ કેટલાક લોકો અને રાજકીય પક્ષોને આ પવિત્ર ગીત સામે વાંધો છે તે કમનસીબી છે.
શ્રી સંઘવીએ ગૃહમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની સંસદમાં ‘વંદે માતરમ્’ ગીતના ગાનની શરૂઆત વર્ષ ૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીના પ્રસ્તાવ બાદ જ થઈ હતી. આ બાબત સાબિત કરે છે કે ભાજપ માટે રાષ્ટ્રભક્તિ એ રાજનીતિનો વિષય નથી પણ સંસ્કાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૦૭ નવેમ્બર ૨૦૨૫થી આ ગીતના ૧૫૦ વર્ષની ઉજવણીનો જે પ્રારંભ થયો છે, તે દેશના સાંસ્કૃતિક જાગરણનો દસ્તાવેજ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ક્રાંતિવીરોને યાદ કરતા કહ્યું કે, નવસારીના પારસી પરિવારની દીકરી મેડમ ભીખાઈજી કામાએ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટમાં અંગ્રેજોની હાજરીમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો, જેના પર ‘વંદે માતરમ્’ અંકિત હતું. આ ઉપરાંત, મહર્ષિ અરવિંદ ઘોષે પણ વડોદરામાં રહીને જ આ ગીતને ક્રાંતિનો મંત્ર બનાવવાનું કાર્ય કર્યું હતું. કચ્છના ભુજોડીમાં બનેલું ‘વંદે માતરમ્ મેમોરિયલ’ આજે પણ આઝાદીના ઇતિહાસને જીવંત રાખી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસે કરેલી ભૂતકાળની ભૂલો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ૧૯૩૭માં મુસ્લિમ લીગના દબાણવશ કોંગ્રેસ અને નેહરુએ આ અમર ગીતના ટુકડા કર્યા હતા. ગીતની માત્ર પ્રથમ બે કડી ગાવાનો ઠરાવ એ તુષ્ટિકરણની પરાકાષ્ઠા હતી. ગીતનું આ વિભાજન જ દેશના ભાગલાના બીજ હતા. જો તે સમયે મક્કમતા બતાવી હોત તો કદાચ અખંડ ભારતનો હિસ્સો ગુમાવવો ન પડ્યો હોત.
પોતાના સરહદી પ્રવાસના અનુભવોને યાદ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે, કચ્છની સરહદે જ્યારે જવાનો સાથે ‘વંદે માતરમ્’ ગવાય છે ત્યારે આખું આકાશ ગુંજી ઉઠે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, “જેને પોતાના રાષ્ટ્રનું ગૌરવ નથી, તે જીવતા હોવા છતાં મૃત સમાન છે.”
અંતમાં તેમણે જણાવ્યું કે, ‘વંદે માતરમ્’ એ ભારતની ચેતના છે અને જેઓ ભારત માતાનો આદર નથી કરી શકતા, તેમને આ સદન જ નહીં, કોઈપણ પવિત્ર સદનમાં બેસવાનો નૈતિક અધિકાર નથી. આ ઉજવણી એ ગુમનામ શહીદો અને દેશના નાયકો પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
