<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

વિધાનસભામાં હર્ષ સંઘવીનો સિંહનાદ: રાજ્યપાલનું સંબોધન ગુજરાતના ‘પાસ્ટનો ફીડબેક’ અને ‘ફ્યુચરનો રોડમેપ’, રમખાણોમાં ફેંકાતા પથ્થરો હવે હોસ્પિટલોના નિર્માણમાં વપરાય છે

૨૦મી સદીનું ‘કરફ્યુ અને ટેન્કર રાજ’ ભૂતકાળ બન્યું, હવે ૨૧મી સદીનું ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું પર્યાય: ૧૦ વર્ષમાં ૨ લાખ સરકારી ભરતી અને ૩.૧૮ કરોડ નાગરિકોને મફત અનાજના સુરક્ષા કવચનો વિધાનસભામાં ચિતાર

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરવાની સાથે સરકારની સિદ્ધિઓનો ગૌરવવંતો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે સભાગૃહમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે, રાજ્યપાલનું સંબોધન એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો પવિત્ર દસ્તાવેજ છે. આ અભિભાષણ ગુજરાતના ‘ભૂતકાળનો અરીસો’ અને ‘ભવિષ્યનો માર્ગ’ દર્શાવે છે.
ભૂતકાળના રમખાણો વિરુદ્ધ વર્તમાનનું વિકાસ મોડલ
નાયબ મુખ્યમંત્રીએ ભૂતકાળની કોંગ્રેસ શાસિત સરકારોની સરખામણી કરતા જણાવ્યું હતું કે, ૨૦મી સદીમાં ગુજરાતની ઓળખ કરફ્યુ, કોમી રમખાણો અને ટેન્કર રાજ પૂરતી સીમિત હતી. વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાઈ છે. આજે 'કરફ્યુ' શબ્દ ગુજરાતની ડિક્શનરીમાંથી ભૂંસાઈ ગયો છે અને રાજ્યની દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે છે. તેમણે ભાવુક રીતે ઉમેર્યું કે, "જે પથ્થરો ક્યારેક રમખાણોમાં ફેંકાતા હતા, આજે એ જ પથ્થરોનો ઉપયોગ વિશ્વકક્ષાની હોસ્પિટલો અને યુનિવર્સિટીઓના નિર્માણ માટે થઈ રહ્યો છે."
ગરીબ કલ્યાણ અને આરોગ્યનું રક્ષણ
રાજ્ય સરકાર માટે ગરીબ એ વોટબેંક નથી પણ 'દરિદ્ર નારાયણ' છે તેમ જણાવતા હર્ષ સંઘવીએ કલ્યાણકારી યોજનાઓના આંકડા રજૂ કર્યા હતા:
 * મફત અનાજ: 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ ૭૫ લાખ પરિવારોના ૩.૧૮ કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ અપાઈ રહ્યું છે.
 * આવાસ યોજના: રાજ્યમાં ૧૦ લાખથી વધુ લોકોને પાકા ઘર આપ્યા બાદ, ચાલુ વર્ષે વધુ ૩.૧૫ લાખ નવા આવાસો આપવાનું લક્ષ્ય છે.
 * આરોગ્ય કવચ: 'આયુષ્માન ભારત-મા કાર્ડ' હેઠળ ૨.૭૨ કરોડ નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા સુલભ બનાવી છે.
યુવા રોજગારી અને MSME ક્ષેત્રે ઐતિહાસિક ફલાંગ
યુવા વિકાસ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાતે ૧,૦૦,૧૩૫ MSME યુનિટ્સ સર્ટિફાઈડ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચમી વાર 'બેસ્ટ પરફોર્મર' રહ્યું છે. યુવાનોના ભવિષ્ય માટે સરકારે ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ૧૦ વર્ષનું 'ભરતી કેલેન્ડર' જાહેર કર્યું છે, જેના દ્વારા ૨ લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૨૬૮ ભરતી મેળાઓ થકી ૭૨,૧૨૮ યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારી પૂરી પાડવામાં આવી છે.
ખેડૂતો માટે ‘ટેન્કર રાજ’ નહીં પણ ‘નર્મદા રાજ’
ખેડૂતોના હિત વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે ગુજરાતમાં ‘ટેન્કર રાજ’નો અંત આવ્યો છે અને ‘નર્મદા રાજ’ સ્થપાયું છે. 'કિસાન સૂર્યોદય યોજના' દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ૬૦ લાખ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન નિધિ' હેઠળ સીધા નાણાં જમા થઈ રહ્યા છે. કુદરતી આફત સમયે રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ આપી ખેડૂતોનો હાથ પકડ્યો છે.
હર્ષ સંઘવીએ વિપક્ષના નકારાત્મક વલણની આકરી ટીકા કરતા ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષ માત્ર ‘વિરોધની રાજનીતિ’માં અટવાયેલો છે જ્યારે ભાજપ સરકાર ‘વિકાસની રાજનીતિ’ માં માને છે. ગુજરાતની વિકાસયાત્રા 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે અવિરત ચાલુ રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

(8:14 PM IST)