તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd February 2026
પાટણ એસીબીનો વારાહીમાં સપાટો: ૭ હજારની લાંચ લેતા ડેટા એન્ટ્રી ઓપરેટર મહેશ ઉર્ફે મુકેશ પરમારને પીઆઈ એમ.જે. ચૌધરીએ ઝડપ્યો
જન્મના પ્રમાણપત્ર માટે મામલતદારનો હુકમ કરી આપવાના બહાને લાંચ માંગનાર આઉટસોર્સ કર્મચારી ટ્રેપમાં ફસાયો: એસીબી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી

પાટણ:પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે આજે વારાહી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક ભ્રષ્ટ કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જન્મના પ્રમાણપત્ર જેવા સામાન્ય કામ માટે સરકારી કચેરીના કામકાજમાં લાંચની માંગણી કરનાર આઉટસોર્સ કર્મચારી એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકના ભત્રીજાનું જન્મનું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હતું. આ પ્રમાણપત્ર ફરીથી મેળવવા માટે મામલતદારનો હુકમ કરાવવો જરૂરી હોય, ફરિયાદીએ વારાહી મામલતદાર કચેરીની એટીવીટી (ATVT) શાખાનો સંપર્ક કર્યો હતો. ત્યાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા મહેશ કુમાર ઉર્ફે મુકેશ ભાઈ દલા ભાઈ પરમારે આ કામ કરી આપવાના બદલામાં ફરિયાદી પાસે રૂ. ૭,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
એસીબીની સફળ ટ્રેપ:
ફરિયાદી આ ગેરકાયદેસરની લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી અને તેમની ટીમે આજે તા. ૨૩/૨/૨૦૨૬ ના રોજ છટકું ગોઠવ્યું હતું. વારાહી મામલતદાર કચેરીની બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે આરોપી મહેશ પરમારે ફરિયાદી પાસેથી લાંચના રૂ. ૭,૦૦૦ સ્વીકાર્યા, ત્યારે જ ઓચિંતી ત્રાટકેલી એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.
મુદ્દામાલ અને ધરપકડ:
પોલીસે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રૂ. ૭,૦૦૦ ની રકમ રિકવર કરી છે. આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
અધિકારીઓનું માર્ગદર્શન:
આ સમગ્ર ઓપરેશન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને એસીબી રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ સી. વાઘેલાના સીધા સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી જેવી મહત્વની જગ્યાએ લાંચ લેતા કર્મચારી ઝડપાતા અન્ય ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
