<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ડાબકા ગામના રહીશો વીજ કનેક્શનથી વંચિત રહેતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનો સીએમ ને પત્ર

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા નર્મદા કલેકટર અને પ્રાંત અધિકારીને લેખિતમાં કરાઈ રજૂઆત:અગાઉ અરજી કરેલ હોવા છતાં વીજ કંપની દ્વારા વીજ જોડાણ આપવા માટે કોઇજ પગલા લેવાયા નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ અંતરિયાળ ગામ ડાબકા જ્યાં હજુ અનેક લોકો વીજળી થી વંચિત રહ્યા છે, વીજળી વિના ગામના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ડેડીયાપાડના ડાબકા ગામે હજુ પણ વિકાસ પહોંચ્યો નથી.  વીજ જોડાણ ન મળતા ગામના રહીશોને જંગલી પ્રાણીઓ તેમજ સર્પદંત, વીંછી  કરડવાનો  ભય સતાવી રહ્યો છે, તેમજ તમામ રહીશોના ઘરોમાં નાના નાના બાળકો હોવાથી રાત્રી સમયે જંગલી પ્રાણીઓનો પણ ભય સતાવી રહ્યો છે.

     ડાબકા ગામના રહીશો દ્વારા અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી ધ્યાન દોરવામાં આવ્યું નથી, ત્યારે તા.૨૩, ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી નવી દિલ્હી ના પ્રમુખ સર્જન વસાવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે, તેમજ નર્મદા કલેકટર અને દેડીયાપાડા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ડાબકા ગામના રહીશોને વહેલી તકે વીજ કનેક્શન જોડાણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે છે કે કેમ

(10:09 PM IST)