તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th February 2026
આર.કે.મિશ્રા પ્રખર દાતાર ભક્ત હતાઃ બુલેટ ઉપર સૌરાષ્ટ્રના ગામડાઓ ખુંદતા
ગુજરાતના જૂની પેઢીના ટોચના પત્રકારના જીવનના અજાણ્યા મુલાયમ પાસા

રાજકોટઃ ગુજરાતના સિનિયર મોસ્ટ પત્રકાર અને પત્રકાર આલમમાં ‘‘મિશ્રા સર''ના નામથી પ્રખ્યાત આર.કે. મિશ્રાના દુઃખદ નિધન સાથે સંશોધનાત્મક અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો એક યુગ પૂરો થયો છે. સદગત મિશ્રાનો જન્મ તો ઉતરપ્રદેશમાં થયો હતો પણ કર્મભૂમિ ગુજરાતને બનાવી હતી.તેમાં પણ સૌરાષ્ટ્ર પ્રત્યે તેમને અનોખો લગાવ હતો.રાજકોટ - સૌરાષ્ટ્રને તેઓ પોતાનું બીજું ઘર ગણાવતા.
મિશ્રાજી ભરાવદાર મૂછો ધરાવતા હતા.૧૯૮૦ ના ઉતરાર્ધમાં તેઓ રાજકોટમાં હતા ત્યારે સૌરાષ્ટ્રની પત્રકાર આલમમાં મૂછોવાળા ત્રણ પત્રકારોની બોલબાલા હતી.
એક અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, બીજા મિશ્રાજી અને ત્રીજા મુકેશભાઈ વ્યાસ. મિશ્રાજી માટે કિરીટભાઇ અને અકિલા વિસામાના સ્થળ જેવા હતા .મુકેશભાઈ સાથે તેમને ગાઢ દોસ્તી હતી.
એ સમયે અંધારી આલમ અને વ્હાઈટ કોલર માફીયાઓ સામેની એમની લડાઈને કારણે તેમના પર જોખમ મંડરાયેલું રહેતું. અનેક પ્રકારના દબાણોનો તેઓ સામનો કરી રહ્યા હતા.પણ તેમણે તેનો હિમતભેર સામનો કર્યો.તેઓ કહેતા કે સાચા પત્રકારે માથે કફન બાંધીને જ જીવવાનું હોય. ડર લાગતો હોય તો પત્રકારત્વ ન કરાય, બીજી નોકરી શોધી લેવાય. મિશ્રા મરદ માણસ હતા. ન ક્દી ડગ્યા કે ન ક્દી ઝૂક્યા.
બહુ ઓછા લોકો જાણતા હશે કે મિશ્રાજી જૂનાગઢના ઉપલા દાતાર ધર્મસ્થાનકમાં અને તેના તત્કાલીન મહંત પૂજ્ય પટેલ બાપુમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. મુકેશભાઈ વ્યાસ પણ પ્રખર દાતાર ભક્ત હતા.તેમની સાથે મિશ્રાજી નિયમિત દાતારના દર્શને જતા. માત્ર જતાં એટલું જ નહી, ત્રણ ચાર દિવસ ત્યાં જ રોકાતા અને પટેલ બાપુના દિવ્ય સાનિધ્યનો લાભ લેતા. પટેલ બાપુએ તેમને, સત્યના માર્ગે ચાલે ત્યાં સુધી કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એવું અભય વચન આપ્યું હતું.
મિશ્રાજીએ તેમના સૌરાષ્ટ્રના મુકામ દરમિયાન મોટું મિત્ર વર્તુળ ઊભું કર્યું હતું. જૂનાગઢમાં વેટરનરી ડો. અનિલભાઈ મહેતા તેમના પરમ મિત્ર હતા. એમના ઘરે જ મિશ્રાજીનો ઉતારો હોય. તેમના બુલેટ ઉપર મુકેશભાઈ સાથે મિશ્રાજી અલગારીની માફક સાસણનું જંગલ અને સૌરાષ્ટ્રના ગામડાઓ ખુંદવા નીકળી પડતા અને એટલે જ સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવન, સંસ્કૃતિ અને આર્થિક - સામાજિક પાસાઓની તેઓ ઊંડી સૂઝ ધરાવતા હતા.
મિશ્રાજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.ખૂબ મોટા ગજાના પત્રકાર હતા.ભ્રષ્ટાચાર, શોષણ અને માફિયા આલમ સામે હિમતભેર ઝઝૂમનાર આ માણસ ખૂબ પ્રેમાળ, મુલાયમ અને સંવેદનશીલ હૃદયના માલિક હતા.મિત્રો માટે અડધી રાતના હોંકારા સમાન હતા.તેમના પરિચયમાં આવનારા લોકો અને મિત્રો તેમને ક્દી ભૂલી શકશે નહિ.તેમના યાદોમાં મિશ્રાજી અમર રહેશે.
મૂછોવાળા મરદ પત્રકારનું અંગત જીવન અલગારી જેવું: સાસણનું જંગલ અને સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળેલા
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
