તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th February 2026
નર્મદા જિલ્લા માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે આવેદન
સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લા માળી સમાજે પણ કલેક્ટરને આવેદન આપ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
આવેદનમા જણાવ્યા મુજબ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એક એવું વ્યક્તિત્વ કે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગને યોગ્ય સ્થાન અને ન્યાય અપાવવા માટે ન્યોછાવર કરી દીધું અને તેમની ઉન્નતી અને પ્રગતિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા. માતા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી, અનેરૂ ઉમદા વ્યક્તિત્વ કે જેમને મહિલાઓ દ્વારા વિદ્યાની દેવી તરીકે નવાજેલ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા પોતાની પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત બનાવી અને સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા અને તેઓએ મહિલાઓને ભણાવવા માટે પ્રથમ મહિલા સ્કૂલ ખોલી અને સમય જતાં મહિલાઓ માટે બીજી ૧૭ સ્કૂલો ચાલું કરી. માતા સાવિત્રીબાઈ ફૂલે કવિયત્રી હતા અને તેમને કાવ્ય ફૂલે નામનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલો.
ફૂલે દંપતીએ સંયુક્ત રીતે બાળ હત્યા નિષેધ ગૃહ, ખેત મજૂરો માટે રાત્રી શાળા, મહિલા અનાથ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ખોલવામાં આવી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પોતાના જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ વેઠી મહિલાઓને શિક્ષણ અપાવવા માટે અને મહિલાઓને પોતાના પગભર થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહિલાઓને મુખ્ય ધારામા લાવવા, તેમને માન, સન્માન અને સંપૂર્ણ અધિકારો અપાવવા માટે ફૂલે દંપતી દ્વારા ખૂબજ લડત આપવામાં આવી. પછાત વર્ગના લોકો માટે તેમને જે કાર્ય કર્યું છે તે કદાપિ ભૂલી શકાય નહીં. અખંડ ભારતના પ્રથમ મહાત્મા અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા આ ફૂલે દંપતી સમગ્ર ભારત દેશના માળી સમાજના આરાધ્ય છે.
ગુજરાત માળી સમાજ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા મથકો ઉપર કલેકટર ને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવે છે કે આ બંને મહાન વ્યક્તિત્વને મરણોપરાંત ભારત રત્ન મળવો જોઈએ. સમગ્ર ભારત દેશમાં જ્યારે આ માંગ બુલંદ બની રહી છે ત્યારે ગુજરાત રાજ્યનો માળી સમાજ આ વાતને સંપૂર્ણ ટેકો આપે છે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટેની માંગ કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા ફૂલે દંપતીને ભારત રત્ન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરશે ત્યારે ભારત દેશના અતિ પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગ અને માળી સમાજને સાચા અર્થમાં ન્યાય આપ્યો ગણાશે
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
