<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સ્‍થાનિક ચૂંટણીઓ પૂર્વે વિપક્ષોમાં ‘ઓટ' લાવવા ભાજપના ‘ભરતી' મેળા

તૂમ અગર સાથ દેને કા વાદા કરો, હમ યું હી મસ્‍ત દલબદલ કરવાતે રહે... : કોંગ્રેસ- આમ આદમી પાર્ટીમાંથી તાકાતવાળા અગ્રણીઓને ખેંચવાની વ્‍યુહરચનાઃ જથ્‍થાબંધ કેસરિયા ખેસ પહેરાવાશેઃ ‘સામેવાળા'ને ખોખલા પાડવાની સૂચના

રાજકોટ તા.૨૫: રાજ્‍યભરમાં ચાર કરોડથી વધુ મતદારોને જેમાં મતાધિકાર મલનાર છે તે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી નજીક આવી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતો નગરો અને મહાનગરોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી થઈ રહી છે .બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ મેદાનમાં ઉતરવાની તડામાર તૈયારી છે .રાજ્‍યમાં મુખ્‍યત્‍વે ભાજપ કોંગ્રેસ વચ્‍ચે સ્‍પર્ધા રહેતી હોય છે .આ વખતે આમ આદમી પાર્ટીએ સ્‍વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી છે . ત્રિપાંખીઓ જંગ થાય તેવા અત્‍યારના સંજોગો છે .ભાજપ દ્વારા ચૂંટણીનું પૂર્વે મોટાપાયે ભરતી અભિયાન શરૂ થનાર છે. તેના માટે તાત્‍કાલિક હોમવર્ક કરવા શહેર જિલ્લાઓને સંગઠન એકમોનેસૂચના આપવામાં આવ્‍યાનું જાણવા મળે છે.

છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભાજપ દ્વારા રણનીતિના ભાગરૂપે હરીફ કોંગ્રેસના તાકાતવાળા આગેવાનોને ભાજપમાં જોડવાનું કામ થઈ રહ્યું છે .આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત બિનરાજકીય લોકોને પણ ભાજપમાં જોડવા માટે પ્રયાસો કરનાર છે. ટૂંક સમયમાં રાજ્‍યમાં પક્ષપલટાની મોસમ આવે તેવા એંધાણ છે. રાજ્‍યમાં વર્ષોથી ભાજપનું શાસન છે. હાલ મોટાભાગની પંચાયતો અને પાલિકાઓ ભાજપ હસ્‍તક છે.  વિપક્ષના ધારાને પક્ષપલટા કરાવવામાં માહિર થઈ ગયેલ ભાજપ સ્‍થાનિક ચૂંટણીઓમાં પણ આ પ્રયોગ કરવા માંગે છે .પાલિકા પંચાયતોની ચૂંટણીમાં એક એક મત અગત્‍યનો હોય છે .કયા પક્ષનો ઉમેદવાર કોને ફાયદો કે નુકસાન કરાવે તે નક્કી હોતું નથી તેથી સામે કોઈ હરીફ ન રહે અથવા નબળો હરીફ રહે તેવી ભાજપની રણનીતિ છે .સામાન્‍ય રીતે ચૂંટણી વખતે રાજકીય પક્ષોમાં આવનજાવન થતી હોય છે પરંતુ ભાજપ તો સમગ્ર રાજ્‍યમાં લોકોનું ધ્‍યાન ખેંચાય તે રીતે ભરતી અભિયાન કરવા માંગે છે. ભાજપ લોકપ્રિય છે અને હરિફો પક્ષો ખાલી થઈ રહ્યા છે તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ થશે.

ભાજપ મજબૂત સ્‍થિતિમાં હોવાથી અન્‍ય પક્ષના આગેવાનોને પાર્ટીમાં લેવાથી પોતાના કાર્યકરો નારાજ થાય તેવો મુદ્દો ધ્‍યાને લેવાતો ન હોવાનું અનેક વખત બન્‍યું છે. ભાજપમાં જોડાનાર કાર્યકર તાકાતવાળો હોય અને ઈચ્‍છે તો તેને ટિકિટ આપવા સુધીની તૈયારી હોવાનું કહેવાય છે .જેને ટિકિટ ના આપી શકાય તેને અન્‍ય રીતે મહત્‍વ આપવાના  વચનો પાસે અપાશે .ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્‍ય હોય અને અત્‍યારે ભાજપની સરકારમાં સ્‍થાન ધરાવતા હોય તેવા ઉદાહરણો આપવામાં આવી રહ્યા છે. સામે કોઈ મજબૂત ન હોય તો ચૂંટણી જંગ જીતવાનું સહેલું પડી જાય તે ભાજપ જાણે છે. જ્‍યા જે જરૂર પડે તે ઉપયોગ કરીને ભાજપની તાકાતમાં વધારો કરવાનો આયોજન છે.

ભૂતકાળમાં ભાજપે વિપક્ષના સભ્‍યોના પક્ષપલટા કરાવ્‍યા હોવાથી રાજ્‍યસભાની ચૂંટણીનું પરિણામ પણ ફરી ગયાના દાખલા છે. પોણા બે વર્ષ પછી રાજ્‍યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પાલિકા પંચાયતોની ચૂંટણીનું કાર્યક્ષેત્ર આખું ગુજરાત હોવાથી સ્‍થાનિક ચૂંટણીના પરિણામો રાજ્‍યની રાજકીય દિશા દર્શાવશે. ૨૦૨૭ના જંગ માટે કાર્યકરોને વધુ ઉત્‍સાહિત કરવા સ્‍થાનિક સ્‍વરાજ્‍યનો જંગ જીતવો જરૂરી છે. પાલિકા પંચાયતોની ચૂંટણી એપ્રિલ મેમાં આવે તેવી પ્રબળ શકયતા છે. જયાં મુદત પૂરી થશે ત્‍યાં વચગાળામાં વહીવટદાર શાસન આવી જશે.

સિધ્‍ધાંતોને છોડો, હરીફ પક્ષને તોડો,

ખેસ લઇને દોડો, અન્‍યને ભાજપમાં જોડો

(11:41 AM IST)