<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

૧૫૨ નગરોમાં સ્‍વદેશી મેળા યોજાશેઃ ‘વોકલ ફોર લોકલ' પ્રોત્‍સાહન અભિયાન

 

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૫: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આત્‍મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ' મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્‍વદેશી ઉત્‍પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ રાજ્‍ય સરકારે ગ્રામ્‍ય અને શહેરી કારીગરો, હસ્‍તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્‍મનિર્ભર યાત્રા', ‘જી-મૈત્રી યોજના', ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના' જેવા કાર્યક્રમો દ્વારા રાજ્‍યમાં સ્‍વદેશી ઉત્‍પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્‍વદેશી મેળા (શોપિંગ ફેસ્‍ટિવલ)નું રાજ્‍યવ્‍યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્‍થાનિક કારીગરો, સ્‍વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્‍લેટફોર્મ મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્‍યના ૧૬ શહેરોમાં પ્‍લાસ્‍ટિક ફ્રી ‘સ્‍વદેશી ફેસ્‍ટિવલ'નું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મેળાઓની ૪૦.૫૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને રૂ.૧૦ કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. આ સફળતાને આગળ વધારતાં હવે રાજ્‍યની તમામ નગરપાલિકાઓમાં સ્‍વદેશી મેળા (શોપિંગ ફેસ્‍ટિવલ)નું આયોજન કરવામાં આવ્‍યું છે, જેના દ્વારા સ્‍વસહાય જૂથો, સ્‍થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્‍વદેશી ચીજવસ્‍તુઓ પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.

૧૫ માર્ચ સુધીમાં રાજ્‍યની ૧૫૨ નગરપાલિકાઓમાં સ્‍વદેશી મેળાઓ યોજાશે.

૧૫ માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજ્‍યની તમામ ૧૫૨ નગરપાલિકાઓમાં સ્‍વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજન હેઠળ ૧૫૦૦થી વધુ સ્‍ટોલ સ્‍વસહાય જૂથોને ફાળવવામાં આવ્‍યા છે, જ્‍યારે શેરી ફેરીયાઓને ૧૪૦૦થી વધુ સ્‍ટોલ આપવામાં આવ્‍યા છે. ખાણીપીણી માટે ૧૨૦૦ સ્‍ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અન્‍ય કારીગરોને પોતાની સ્‍વદેશી ચીજવસ્‍તુઓનું વેચાણ કરવા માટે ૧૬૫૦થી વધુ સ્‍ટોલ ફાળવવામાં આવ્‍યા છે.

અત્‍યાર સુધીમાં ૩૮ નગર પાલિકાઓમાં સ્‍વદેશી મેળાનો પ્રારંભ, રૂ.૮૩ લાખથી વધુનું વેચાણ થયું.

રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૩૮ નગરપાલિકાઓમાં સ્‍વદેશી મેળા શરૂ કરવામાં આવ્‍યા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૧ લાખથી વધુ લોકોએ સ્‍વદેશી મેળાની મુલાકાત લીધી છે અને રૂ.૮૩ લાખથી વધુનું વેચાણ થયું છે. આ સફળતા દર્શાવે છે કે નાગરિકો વોકલ ફોર લોકલ પહેલ સાથે ઉત્‍સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ સ્‍વદેશી મેળાઓ માત્ર વેપાર માટેનું પ્‍લેટફોર્મ નથી, પરંતુ સ્‍થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નોંધનીય પ્રયાસ છે.

(2:25 PM IST)