તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
રાજ્યમાં ધો-10 અને ધો--12ની બોર્ડની પરીક્ષા 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર કે માનસિક બોજ રાખ્યા વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે: સરકાર

અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.
પરીક્ષા પૂર્વે મંત્રીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, PM મોદીએ તાજેતરમાં જ “પરીક્ષા પે ચર્ચા” થકી દેશભરના વિદ્યાર્થીઓને કોઈપણ દબાણ કે ચિંતા વિના સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દરેક વ્યક્તિની એક વિશેષ ક્ષમતા હોય છે, એ ક્ષમતાને પારખીને પોતાની સ્કિલ પર વધુ ફોકસ કરીને ચિંતા મુક્ત થઈ પરીક્ષા આપવી જોઈએ.
પરીક્ષા એ વિદ્યાર્થીઓના વર્ષભરની મહેનતનું પરિણામ મેળવવાનો અવસર છે. વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર કે માનસિક બોજ રાખ્યા વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે.
વધુમાં જીતુભાઈ વાઘાણીએ પરીક્ષાર્થીઓના વાલીઓને પણ અનુરોધ કર્યો હતો કે, વિદ્યાર્થીના પરિવારજનોએ ઘરનું વાતાવરણ હળવું રાખવા અને બાળકો પર વધુ પડતું દબાણ લાવવાને બદલે તેમનો ઉત્સાહ વધારવું જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહયોગથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.
ગુજરાતમાં ધોરણ-10ના 9.07 લાખથી વધુ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ મળી રાજ્યભરના કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રાજ્યનું અને પોતાના પરિવારનું નામ રોશન કરશે, તેવો આશાવાદ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે, “પરીક્ષાના પેપર લખતી વખતે મન સ્થિર રાખી, જે આવડે છે તેને શ્રેષ્ઠ રીતે રજૂ કરો. તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. સૌને ઉજ્જવળ સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન."
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
