News of Thursday, 26th February 2026
રાજ્યના મંત્રીઓ,સંસદ સભ્યો અને ધારાસભ્યોના પ્રોટોકોલ જાળવવા સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર
રાજ્ય સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં આમંત્રણ આપવું,યોગ્ય બેઠક વ્યવસ્થા જાળવવી અને સરકારી કર્મચારીઓએ યોગ્ય વ્યવહાર કરવા સૂચનાઃ જિલ્લાના પ્રભારી મંત્રીઓ સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન કરવા તાકીદ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૬ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યપાલના અગ્ર સચિવથી લઇ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પરિપત્ર કરી મંત્રીઓ,સંસદ સભ્યો,ધારાસભ્યો અને જિલ્લાના પ્રભારી મંત્રીઓ સાથે રાજ્યના કર્મચારીઓના વ્યવહાર બાબતે અને પ્રોટોકોલ જાળવવા સૂચના આપી છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર દ્વારા ગઈકાલે પરિપત્ર ક્રમાંક INV/૪૬૮૯૫૭/ઘ માં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના મંત્રીઓ,સંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓના વ્યવહાર બાબતે,રાજ્ય સરકાર તરફથી યોજાતા કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપી તેમની બેઠક વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવા તેમજ જે કાર્યક્રમ યોજવાનો હોય તેની પત્રિકામાં તેમના નામનો ઉલ્લેખ કરવા સૂચના આપવામાં આવી છે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ આ અંગે અગાઉ સૂચના આપવામાં આવી હોવા છતાં ઉપરોક્ત બાબતે યોગ્ય રીતે તેનો અમલ થતો ન હોય અમલ કરવા જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કે તેનો અમલ ના થતો હોય તેવું અગાઉ જાહેર હિસાબ સમિતિ એ પણ કહ્યું હતું.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના મંત્રીઓ કોઈ પણ જિલ્લાના પ્રવાસે જાય ત્યારે તેમને ગરીમા પૂર્ણ રીતે આવકાર આપવો,જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમના આયોજન પહેલા જે તે જિલ્લાના પ્રભારી મંત્રી સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન કરવું આ ઉપરાંત જન પ્રતિનિધિઓના જાહેર કાર્યક્રમમાં તેમજ સરકારી કચેરીઓની મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓએ તેમનું માન જાળવી અને તેમની સાથે વિવેક પૂર્ણ વ્યવહાર કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
જન પ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર તેમને આવકારી તેમની રજૂઆતો સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ પરિપત્રની નકલ રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ,મંત્રીના સચિવ,વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના અંગત સચિવ,વિરોધ પક્ષના નેતાના અંગત સચિવ, વિધાનસભાના મુખ્ય દંડક અને નાયબ મુખ્ય દંડક,મુખ્ય સચિવના અંગત સચિવ,રાજ્યના પોલીસ વડા,તમામ પોલીસ કમિશનર,સચિવાલયના તમામ વિભાગો,તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
