<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગુટખા બજારમાં કૃત્રિમ તંગીઃ ભાવ નથી વધ્‍યા છતાં ગ્રાહકો પાસેથી ૪૦%ની લૂંટ

હોલસેલ વેપારીઓએ ૧૦થી ૩૦ ટકા વધાર્યા, છૂટક વેપારી ૪૦ ટકા સુધી વધુ ભાવ વસૂલી રહ્યાં છે : GSTના નવા નિયમો અને ઉત્‍પાદનમાં ઘટાડો થયાની ચર્ચા વચ્‍ચે વેપારીઓ બેફામ બન્‍યા

અમદાવાદ તા.૨૭: રાજ્‍યમાં પાન-મસાલા અને ગુટખાના શોખીનો માટે માઠા સમાચાર છે. છેલ્‍લા કેટલાક સમયથી બજારમાં ગુટખાની અચાનક અછત જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે મુખ્‍ય ઉત્‍પાદક કંપનીઓએ સત્તાવાર રીતે ભાવમાં કોઈ વધારો કર્યો નથી, તેમ છતાં છૂટક બજારમાં ગ્રાહકો પાસેથી ૨૦થી ૪૦ ટકા જેટલો વધારાનો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. હોલસેલ વેપારીઓએ ૧૦થી ૩૦ ટકા વધાર્યા, છૂટક વેપારીઓએ ગ્રાહકો પાસેથી ૪૦ ટકા સુધી ભાવ વધારો વસૂલી રહ્યાં છે. આ વધારા પાછળ જીએસટીના નવા નિયમો અને ઉત્‍પાદનમાં ઘટાડો થયાની ચર્ચા વચ્‍ચે સંગ્રહખોરી કરનાર વેપારીઓ બેફામ બની ગ્રાહકોને લૂંટી રહ્યા છે. તેમ નવ ગુજરાત સમયનો અહેવાલ જણાવે છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુટખા ઉદ્યોગમાં જીએસટી (GST) વસૂલાતની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્‍યો છે. હવે ગુટખા ઉત્‍પાદન કરતા એકમોમાં મશીન દીઠ કલાકના ધોરણે ટેક્‍સ લાગુ કરવામાં આવ્‍યો છે. આ નવા નિયમ મુજબ, નિર્ધારિત કલાકોમાં મશીન દ્વારા ગુટખાના પેકેટનું ઉત્‍પાદન થાય કે ન થાય, કંપનીએ કલાકના હિસાબે જીએસટી ચૂકવવો જ પડે છે. આ ટેક્‍સના ભારણને કારકો થણી કંપનીઓએ પોતાનું પ્રોડક્‍શન મર્યાદિત કરી દીધું છે અથવા તો ચોક્કસ કલાકો પૂરતું જ મર્યાદિત રાખ્‍યું છે. ઉત્‍પાદનમાં થયેલા આ ઘટાડાને કારણે બજારમાં માલનો પુરવઠો ઓછો થયો છે, જેણે કુદરતી રીતે જ અછતની સ્‍થિતિ સર્જી છે.

બીજી તરફ, ફેબ્રુઆરી મહિનામાં સરકાર દ્વારા ગુટખા અને તમાકુ ઉત્‍પાદનો પરના કરવેરામાં ફેરફાર કે વપારાની જાહેરાત કરવામાં આવતા જ મોટા વેપારીઓ સક્રિય થઈ ગયા હતા. જે વેપારીઓ પાસે જૂનો સ્‍ટોક પડેલો હતો, તેમણે બજારમાં માલ કાઢવાનું બંધ કરી દીધું હતું. જ્‍યારે બજારમાં તંગી ઊભી થઈ, ત્‍યારે આ જથ્‍થાબંધ વેપારીઓએ છૂટક વિક્રેતાઓ પાસેથી ૧૦થી ૩૦ ટકા વધુ કિમત વસૂલવાનું શરૂ કર્યું. પરિણામે, નાના કેબિન પારકો અને પાન પાર્લર માલિકો મજબૂરીમાં ગ્રાહકો પાસેથી ૨૦થી ૪૦ ટકા જેટલો ઊંચો ભાવ લઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, જે ગુટખા પહેલા જે કિમતે મળતી હતી, તેમાં હવે સીધો ૨ થી ૫ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

તંત્રની ચૂપકીદી સામે સવાલ 

બજારમાં ખુલ્‍લેઆમ ચાલી રહેલી આ લૂંટ અને સંગ્રહખોરી સામે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. જીએસટીના નિયમોને કારણે ઉત્‍પાદન ઘટ્‍યું હોવાની વાત ચોક્કસ છે, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવીને ૨ વેપારીઓ જે રીતે ગ્રાહકોના ખિરસા ખંખેરી રહ્યા છે તે ગંભીર તપાસનો વિષય છે. ત્‍યારે આગામી દિવસોમાં જો સરકાર ઉત્‍પાદન અને વિતરણ વ્‍યવસ્‍થા પર દેખરેખ નહીં રાખે, તો સામાન્‍ય જનતા પર આર્થિક બોજ હજુ પણ વધી શકે છે. હાલમાં તો ગુટખા બજારમાં માલ નથી ની બૂમો વચ્‍ચે અંદરખાને કાળાબજારનો ખેલ પૂરજોશમાં ચાલી રહ્યો છે.

સિગારેટ બજારમાં લૂંટનો ખેલઃ ગ્રાહકો પાસેથી ૪૦% વધુ વસૂલાતા

રાજ્‍યમાં વ્‍યસનીઓના ખિસ્‍સા ખંખેરવા માટે હવે સંગ્રહખોરો અને મોટા વેપારીઓએ સિગારેટના બજારમાં પણ કૃત્રિમ તંગીનો માસ્‍ટરપ્‍લાન અમલમાં મૂક્‍યો છે. ચોકાવનારી વિગત એ છે કે ઉત્‍પાદક કંપનીઓએ સિગારેટના ભાવમાં એક પૈસાનો પણ વધારો કર્યો નથી, તેમ છતાં છૂટક બજારમાં ગ્રાહકો પાસેથી ૩૦થી ૪૨ ટકા જેટલો વધારાનો ભાવ વસૂલાઇ રહ્યો છે. નિયમ મુજબ કોઈ પણ વસ્‍તુ તેની છાપેલી કિમત (MRP) થી વધુ ભાવે વેચી શકાતી નથી, પરંતુ અત્‍યારે પાન-પાર્લરો પર સિગારેટના પેકેટ પર સીધા રૂ. ૩૦થી ૬૦ અને છૂટક નંગ પર રૂ. ૨થી ૫નો વધારો કરી દેવાયો છે. જો ગ્રાહક MRP અંગે સવાલ કરે, તો વેપારીઓ પાછળથી માલ નથી આવતો અથવા નવો સ્‍ટોક મોંઘો પડયો છે તેવા બહાના ધરીને ગ્રાહકોને રવાના કરી દે છે. ખુલ્‍લેઆમ ચાલી રહેલી આ લૂંટ સામે તોલમાપ વિભાગ કે તંત્રના કોઈ અધિકારીઓ તપાસ કરવા તૈયાર નથી. સંગ્રહખોરોએ કરોડો રૂપિયાનો સ્‍ટોક દબાવી રાખ્‍યો છે અને કૃત્રિમ તંગી ઊભી કરી છે

(10:17 AM IST)