<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજકોટના વલ્‍લભીય જનકલ્‍યાણ ટ્રસ્‍ટની રિટ હાઇકોર્ટે ફગાવી

વૈષ્‍ણવજનોને પ્રવેશ આપવાના જોઇન્‍ટ ચેરિટી કમિશનરના આદેશ સામે રિટ કરી હતી

અમદાવાદ તા.૨૭: શ્રી વલ્‍લભીય જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા જોઇન્‍ટ ચેરિટી કમિશ્નરના આદેશ સામે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેમાં તેમણે એવી માંગ કરી હતી કે રાજકોટના જોઇન્‍ટ ચેરિટી કમિશનર દ્વારા પસાર કરવામાં આવેલા આદેશને રદબાતલ કરવામાં આવે. આ આદેશમાં ચેરિટી કમિશનરે પ્રતિવાદી વૈષ્‍ણવ સમુદાયના લોકોને ટ્રસ્‍ટની મિલકતમાં પ્રવેશથી નહીં રોકવાનું કહેવામાં આવ્‍યું હતું. તેથી ચેરિટી કમિશનરના આ આદેશને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્‍યો હતો. જોકે હાઇકોર્ટના જાસ્‍ટિસ અનિરૂદ્ધ પી. માયીની સિગલ બેંચે રિટ પિટિશન મેરિટ વિનાની હોવાનું કહી રદબાતલ કરી છે.

આ મામલે અરજદારો તરફથી વકીલે રજૂઆત કરી હતી કે પ્રતિવાદીઓએ એક અરજી દાખલ કરી હતી જેમાં અરજદારો સામે નિર્દેશ માંગવામાં આવ્‍યો હતો કે તેઓ અરજદારો તેમજ વૈષ્‍ણવ સમુદાયના લોકોને ટ્રસ્‍ટની મિલકતમાં પ્રવેશ કરવાથી અને તેના દરવાજા ખુલ્‍લા રાખવાથી રોકે નહીં. જેથી તેઓ સુવિધાઓનો ઉપયોગ કરી શકે. ચેરિટી કમિશનરે એ હકીકત પર પણ વિચાર કર્યો નહોતો કે પ્રતિવાદીઓએ તેમના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી અને ફક્‍ત ટ્રસ્‍ટીઓ સામે આરોપો લગાવ્‍યા છે. વિવાદિત આદેશમાં આપવામાં આવેલા નિર્દેશો ટ્રસ્‍ટના ઉદ્દેશ્‍યોથી વિપરીત છે અને ટ્રસ્‍ટના ઉદ્દેશ્‍યોને આગળ વધારવા માટે તેનો અમલ કરી શકાતો નથી. તેથી આ આદેશ રદ કરવામાં આવે.

બીજી તરફ પ્રતિવાદીઓ કે જેમની તરફેણમાં ચેરિટી કમિશ્નરને આદેશ કર્યો હતો તેમના તરફથી દલીલ કરવામાં આવી હતી કે, અરજદારો ગેરકાયદેસર રીતે ટ્રસ્‍ટના લાભાર્થીઓને તેના પરિસરમાં પ્રવેશતા અને વિવિધ કાર્યોનો આનંદ માણતા અટકાવી રહ્યા છે. પ્રતિવાદીનો કેસ ક્‍યારેય ન હતો કે ટ્રસ્‍ટના પરિસરમાં ધાર્મિક મંદિર હતું, પરંતુ હાલના ટ્રસ્‍ટીઓ લાભાર્થીઓને ટ્રસ્‍ટના પરિસરમાં તેમના ધાર્મિક ઉજવણી કરતા અટકાવી રહ્યા છે. આ રીતે આપવામાં આવેલા નિર્દેશો ન્‍યાયી અને યોગ્‍ય છે કારણ કે તે ટ્રસ્‍ટીઓને ટ્રસ્‍ટના પરિસરને લાભાર્થીઓને ઉપલબ્‍ધ કરાવવાનો નિર્દેશ આપે છે.

હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો અને કેસના તથ્‍યોને ધ્‍યાનમાં લેતાં આદેશ કર્યો હતો કે,ટ્રસ્‍ટના દસ્‍તાવેજનું અવલોકન કરવાથી ખબર પડે છે કે ટ્રસ્‍ટની સ્‍થાપના ટ્રસ્‍ટના ઉદ્દેશ્‍યો અનુસાર જાહેર, ધાર્મિક અને સામાજિક હેતુઓ માટે કરવામાં આવી છે.

(1:58 PM IST)