<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મહોત્સવને લઈને તડામાર તૈયારી :વ્યાપક પોલીસ બંદોબસ્ત

રાસ્કાથી ડાકોર સુધીના માર્ગો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહેશે

યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમના મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓની સુરક્ષા અને સુચારૂ વ્યવસ્થા જાળવવા માટે ખેડા પોલીસ તંત્ર સજ્જ થયું છે. આગામી તારીખ 27/02/2026 થી 04/03/2026 સુધી સમગ્ર ડાકોર અને પદયાત્રી માર્ગો પર વ્યાપક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાકોરને કુલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. રાસ્કાથી ડાકોર સુધીના માર્ગો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહેશે. જેમાં  15 DySP, 33 પોલીસ ઈન્સ્પેક્ટર, 116 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI), 750 પોલીસ જવાનો, SRPની 03 કંપની, SDRFની 01 ટુકડી, ગાર્ડ્સ અને જી.આર.ડી: મહેમદાવાદ અને ડાકોર વિસ્તારમાં હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો પણ સુરક્ષામાં જોડાશે.

અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડાકોરમાં 24x7 કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. 'નેત્રમ' પ્રોજેક્ટ હેઠળ કુલ 108 CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે ડ્રોન દ્વારા ચેકિંગ અને પદયાત્રી માર્ગો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

   યાત્રાળુઓને માર્ગદર્શન આપવા અને મુશ્કેલીના સમયે મદદ પહોંચાડવા માટે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કોઈપણ અગવડતા કે મદદ માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબરો  (02699) 246003, (02699) 246006 જાહેર કરવામાં આવ્યા છે

(11:16 PM IST)