News of Saturday, 28th February 2026
સુરતના ડિંડોલીમાં કરાડવા રોડ પર મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ધોળે દહાડે લૂંટ
ગ્રાહકના વેશમાં આવેલા શખ્સે સેલ્સમેનને લોખંડનો સળિયો બતાવી ડરાવી-ધમકાવી રૂ. 3.57 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી

સુરત :ડિંડોલીમાં કરાડવા રોડ પર આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ધોળે દહાડે લૂંટ થયાનો બનાવ બન્યો છે. ગ્રાહકના વેશમાં આવેલા શખ્સે સેલ્સમેનને લોખંડનો સળિયો બતાવી ડરાવી-ધમકાવી રૂ. 3.57 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી. આ બનાવ બાદ રફુચક્કર થઈ ગયેલા શખ્સ સામે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, ડિંડોલીમાં રહેતો હરિસિંધ માનસિંઘ કિતાવત છેલ્લા બે વર્ષથી કરાડવા રોડ પર આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગત રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાના સુમારે જ્યારે હરિસિંધ દુકાનનું ખુરશીમાં બેસી મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો હતો.
આ દરમિયાન અચાનક એક 30 થી 35 વર્ષનો અજાણ્યો શખ્સ હાથમાં લોખંડનો સળિયો લઈને ધસી આવ્યો હતો. આ શખ્સે દુકાનના કાચ પર સળિયો મારી હરિસિંઘને ડરાવ્યો હતો. જીવ બચાવવા સેલ્સમેન પાછળ બાથરૂમ તરફ ભાગ્યો અને તે દરમિયાન લૂંટારૂએ હાથફેરો કરી લીધો હતો.
લૂંટારૂએ ઝડપથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલી ચાંદીની 22 મૂર્તિઓ પોતાની કાળી બેગમાં ભરી લીધી હતી. આ મૂર્તિઓની અંદાજે કિંમત 33 હજાર રૂપિયા જેટલી થાય છે. ત્યારબાદ આ શખ્સે ખુલ્લા લોકરમાંથી સોનાની 18 કેરેટની 24 જોડી બુટ્ટી પણ લઈ લીધી હતી. આ બુટ્ટીઓની અંદાજે કિંમત 3.24 લાખ થાય છે.
આમ, કુલ રૂ. 3.57 લાખનો મુદ્દામાલ લૂંટીને આરોપી શખ્સ પળવારમાં નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ ટીમે દુકાનમાં તપાસ હાથ ધરી અને આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે. વધુમાં, પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
