News of Saturday, 28th February 2026
સરકાર લઘુમતીઓના વિકાસ માટે સાવ ઉદાસીન, લઘુમતીઓ માટે વિભાગ બનાવોઃ ઇમરાન ખેડાવાલા
અશાંતધારા હેઠળના વિસ્તારોનો વ્યાપ વધે છે તેનું શું કારણ?

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૨૯: આજરોજ ગળહમાં વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતાં જમાલપુર-ખાડીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સરકાર બજેટ ખૂબ સારૂ હોવાની વાહવાહી લૂંટી રહી છે પરંતુ સૌનો સાથ, સૌનો વિકાસ અને ડબલ એન્જીનની વાતો કરતી સરકાર સમાન વિકાસની વાત ભૂલી ગઈ હોય તેમ જણાય છે.
ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓની વસ્તી ૧૦% જેટલી છે, પરંતુ વસ્તીના પ્રમાણમાં પૂરતી રકમ ફાળવવામાં આવતી નથી. વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને ફક્ત રૂા. ૪૧ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, તેની સામે ફક્ત રૂા. ૨૪ કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો અને રૂા. ૧૭ કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી છે. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અને હજ કમિટીમાં ચેરમેનની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે, જે સરકાર ભરતી નથી.
ખેડાવાલાએ જણાવ્યું હતું કે, લઘુમતીઓના વિકાસ માટે રાજ્યમાં લઘુમતી વિભાગ બનાવવાની માંગણી ભૂતકાળમાં અનેક વખત કરી હતી અને આજે પણ આ માંગણી દોહરાવું છું. અનેક વખત માંગણી કરી હોવા છતાં આજદિન સુધી સરકારે લઘુમતી વિભાગ બનાવવા અંગે કોઈ નિર્ણય કર્યો હોય કે વિચારણા કરી હોય તેમ જણાતું નથી. રાજ્ય સરકાર લઘુમતીઓના વિકાસ માટે ઉદાસીન હોય તેમ સ્પષ્ટ જણાય છે.
અશાંતધારા અંગે વાત કરતાં શ્રી ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરવામાં આવે છે, પરંતુ રાજયના શહેરોમાં વધુને વધુ વિસ્તારોનો અશાંત વિસ્તારોમાં સમાવેશ થતો જાય છે. અમદાવાદ શહેરમાં કોમી રમખાણોના કારણે અમુક સમય માટે જ અમુક વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરવામાં આવેલ હતો. આજે સમગ્ર રાજ્યના શહેરોમાં નવા-નવા વિસ્તારોનો જરૂરી છે. રાજ્યમાં શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે અશાંત વિસ્તારોનો વ્યાપ શું કામ વધતો જાય છે ? તે સરકાર જાહેર કરે તેવી માંગણી શ્રી ઈમરાન ખેડાવાલાએ કરી હતી. સમાન વિકાસની વાત કરીએ તો શહેરી વિકાસ માટે બજેટમાં રૂા. ૩૦ હજાર કરોડની ફાળવણી કરી છે ત્યારે રાજ્યમાં લઘુમતી બહુલ વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ. વકફની સંપત્તિના ડીજીટલાઈઝેશન અને તેના સર્વે માટે બજેટમાં ખાસ કોઈ રકમની ફાળવણી કરી હોય તેમ જણાતું નથી ત્યારે બજેટમાં આના માટે ચોક્કસ રકમની પૂરતી ફાળવણી સરકારે કરવી જોઈએ તેમ અંતમાં ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
