<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ડેડીયાપાડા વીજ કંપનીના કર્મચારીઓએ વીજ કનેક્શન ખેંચી આપવાના નામે ગ્રાહકો પાસેથી રૂ.14,000 ખંખેર્યાનો આક્ષેપ

ડાબકા ગામે ગ્રાહક દ્વારા મીટર માટે અલગથી 4,288/- રૂ.ભર્યા હોવા છતાં બે વર્ષ થી DGVCL ઘોર નિંદ્રામાં:ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા જ્યોતિગ્રામ યોજના: પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ ડાબકામાં ગ્રામજનો વીજળીથી વંચિત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા જ્યોતિગ્રામ યોજના ચલાવવામાં આવે છે પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ નર્મદાના ડેડીયાપાડા માં ગ્રામજનો વીજળીથી વંચિત રહ્યા છે, ડેડીયાપાડા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ડાબકા ગામે એક લાભાર્થી પાસેથી DGVCL દ્વારા મીટર મુકવાના 14,000 રોકડા લીધા છતાં હજુ પણ મીટર મૂકવામાં આવ્યા ન હોવાનો ડાબકા ગામના લાભાર્થીએ આક્ષેપ કર્યા છે. ત્યારે તેમને યોગ્ય ન્યાય માટે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ પાસે મદદ માંગી છે.

આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સેન્ટ્રલ કમિટી પ્રમુખ સર્જન વસાવા દ્વારા પ્રાંત અધિકારી અને ડેડિયાપાડા નાયબ ઇજનેરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડાબકા ગામના  લાભાર્થી જીતેન્દ્ર ભંગડા વસાવાના પિતા પાસેથી કુલ 14,000 રોકડ રકમ DGVCL ના કર્મચારીઓએ ઘરે આવીને લીધી છતાં પણ ઘર વપરાશનું છેલ્લા 2 વર્ષથી મીટર મુકાયું ન હોવાનો લાભાર્થી એ આક્ષેપ કર્યો છે.
વધુમાં 15 જાન્યુઆરી, 2024 ના રોજ મીટર કનેક્શન માટે 4,288/- પણ ભરેલા હોવાનું લાભાર્થી ના પિતાએ જણાવ્યું હતું. 2025 માં તેમણે ફરી 14,000/-  DGVCL ના કર્મચારીઓને કેસ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, આમ કુલ 18,288 રૂપિયા DGVCL માં આપ્યા હોવા છતાં બે વર્ષ થી લાભાર્થીને વીજ કનેક્શન મળ્યું નથી. અને DGVCL ના કર્મચારીઓ દ્વારા બે નંબર માં વીજપોલ અને કેબલ ખેંચી આપવામાં આવ્યો હતો. જે કોઈ કારણોસર ફરી ઉતારી લેવામાં આવ્યો હોવાનું પણ લાભાર્થીએ જણાવ્યું છે, ત્યારે આવા ભ્રષ્ટ વીજ કર્મચારીઓ અને અધિકારીઓને કોના છુપા આશીર્વાદ છે?? આવા તમામ ભ્રષ્ટ વીજ કર્મચારીઓ તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ પર યોગ્ય તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી થાય તેવી આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા એ માંગ કરી છે

(10:57 PM IST)