News of Sunday, 1st March 2026
ભારત સ્થિત અમેરિકી રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં કરી મુલાકાત : વેપાર, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ફળદાયી ચર્ચા
માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ અમેરિકી વિશેષ દૂત સેર્ગીયો ગોર અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક : ગુજરાત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર

ગાંધીનગર : ભારત ખાતેના અમેરિકી રાજદૂત અને દક્ષિણ તથા મધ્ય એશિયાના વિશેષ દૂત સેર્ગીયો ગોરે રવિવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત અને અમેરિકા વચ્ચેના પરસ્પર સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ઉદ્યોગ અને ટેકનોલોજીમાં સહયોગની તકો:
મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ સેર્ગીયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની તેમની ચર્ચા અત્યંત ફળદાયી રહી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકા અને ગુજરાત વચ્ચે વેપાર, અદ્યતન ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહકારને વધુ ગાઢ બનાવવા માટે નવી તકોની શોધ કરવામાં આવી હતી. તેમણે ગુજરાતની ક્ષમતાની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત અને અમેરિકા સાથે મળીને કામ કરે તેવી વિપુલ સંભાવનાઓ રહેલી છે.
માઈક્રોન પ્લાન્ટના લોકાર્પણમાં આપી હાજરી:
ઉલ્લેખનીય છે કે, સેર્ગીયો ગોર શનિવારે સાણંદ ખાતે અમેરિકી કંપની 'માઈક્રોન' ના સેમિકન્ડક્ટર પ્લાન્ટના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વસનીય ભાગીદારી પર ભાર:
માઈક્રોન ટેકનોલોજીને તેમની સફળતા અને વિસ્તરણ બદલ અભિનંદન પાઠવતા અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું કે, જ્યારે આપણે ભારત જેવા વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદારો સાથે કામ કરીએ છીએ ત્યારે આપણી સપ્લાય ચેઈન વધુ સુરક્ષિત બને છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માઈક્રોનના સીઈઓ સંજય મેહરોત્રા સાથે આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત અને અમેરિકા વચ્ચે વધતી જતી આ આર્થિક અને વ્યુહાત્મક ભાગીદારી આવનારા દિવસોમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું આ બેઠકના તારણ પરથી જણાય છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
