<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

હોળી પર્વે ખજૂર મોંધીઃ ધાણીના ભાવ યથાવત

બજારોમાં ઘરાકી ઓછી હોવાથી વેપારીઓ ચિંતિત

અમદાવાદઃ  રંગોના તહેવાર હોળી-ધુળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વડોદરાના ઐતિહાસિક ચોખંડી વિસ્તાર સહિતના બજારોમાં ધાણી, ખજૂર અને ચણાના ઢગલા ખડકાયા છે. જોકે, તહેવાર નજીક હોવા છતાં અત્યારે બજારમાં જોઈએ તેવી ભીડ જોવા મળી રહી નથી. વેપારીઓના જણાવ્યા મુજબ, અત્યારે ગ્રાહકો ખરીદી માટે તો આવી રહ્યા છે, પરંતુ મોટી માત્રામાં ખરીદી કરવાને બદલે જરૂરિયાત પૂરતી જ ચીજવસ્તુઓ લઈ રહ્યા છે.

વડોદરાના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીની પરંપરાગત વસ્તુઓના ભાવમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી.

ધાણી અને ચણાના ભાવ ગત વર્ષની સરખામણીએ લગભગ યથાવત છે.

ખજૂરના ભાવમાં પ્રતિ કિલોએ માત્ર 5 થી 10 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે.

હોળીના પૂજનમાં વપરાતા હારડાના ભાવ પણ ગત વર્ષ જેટલા જ રહ્યા છે.

વેપારીઓ માની રહ્યા છે કે આ વર્ષે હોળી મહિનાના અંતિમ દિવસોમાં આવી હોવાથી મધ્યમ વર્ગના બજેટ પર તેની અસર પડી છે, જેના કારણે ગ્રાહકો મોટી ખરીદી ટાળી રહ્યા છે.

બજારમાં અત્યારે ભલે સુસ્તી હોય, પણ વેપારીઓ આશાવાદી છે. આગામી શનિવાર અને રવિવારની રજા દરમિયાન શહેરી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળશે તેવી સંભાવના છે. વેપારીઓનું માનવું છે કે તહેવારના છેલ્લા બે-ત્રણ દિવસોમાં જ દર વર્ષની જેમ ધંધો વેગ પકડશે.

(12:37 PM IST)