<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સુરત ખાતે અર્નાકુલમ એક્સપ્રેસમાંથી લાખોના ચરસ સાથે મુંબઈની ત્રિપુટી ઝડપાઈ

સુરત રેલવે LCBનો મધરાત્રે સપાટો

સુરતઃ  રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં એક મોટી સફળતા મળી છે. રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલા ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ શંકાસ્પદ ઈસમોને નશીલા પદાર્થ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

 

રેલવે LCBની ટીમે બાતમીના આધારે ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણ આરોપીઓ પાસેથી કુલ 923 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પોલીસે ચરસના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જપ્ત કરવામાં આવેલા ચરસ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

 

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મુંબઈના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરત રેલવે પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

 

આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મુંબઈમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં સુરત રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસની આ કામગીરીને કારણે ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:38 PM IST)