તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 1st March 2026
માંજલપુરમાં પૂર્વ સૈનિકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
પોલીસ એક્શન મોડમાં: ગુનો નોંધી નિલેશ ઉત્તેકર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટનામાં વ્યસ્ત ગણાતા તુલસીધામ સર્કલ નજીક આવેલા એસ.એસ. નગરના ખુલ્લા મેદાનમાં એક પૂર્વ સૈનિક દ્વારા જાહેરમાં હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જે બાદ માંજલપુર પોલીસે તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે એક વ્યક્તિ ખુલ્લા મેદાનમાં હથિયાર વડે હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની ઓળખ નિલેશ તુકારામ ઉત્તેકર (ઉંમર 45) તરીકે થઈ છે. નિલેશ માંજલપુર વિસ્તારનો જ રહેવાસી છે અને તે પૂર્વ સૈનિક હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ પૂછપરછમાં એવી વિગત બહાર આવી છે કે આરોપી નિલેશ પોતાના પરવાનાવાળા (લાઈસન્સ ધરાવતા) હથિયાર વડે મેદાનમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે હવામાં એક બ્લેન્ક રાઉન્ડ ફાયર કર્યો હતો. જોકે, જે સમયે આ ફાયરિંગ કરવામાં આવ્યું તે સમયે મેદાનની આસપાસ લોકોની અવરજવર હતી. કોઈ અજાણ્યા શખ્સે આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર મૂકી દેતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
માંજલપુર પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભલે વ્યક્તિ પાસે હથિયારનું કાયદેસરનું લાઈસન્સ હોય, પરંતુ જાહેર સ્થળે કે રહેણાંક વિસ્તારમાં આ રીતે ફાયરિંગ કરવું એ કાયદાકીય ગુનો છે. પોલીસે આરોપી વિરુદ્ધ જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા અને સરકારી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ લાઈસન્સ હોવા છતાં તેનો દુરુપયોગ કરવા બદલ હથિયાર જપ્ત કરવા અને લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહીની પણ શક્યતા સેવાઈ રહી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
