<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ‘ટાલિયાપણા’નો સચોટ ઈલાજ કરાયોઃ 34 વર્ષીય મહિલાને ફરી ઉગ્‍યા કુદરતી વાળ

કુદરતી ઉપચાર અને ધૈર્ય દ્વારા અસાધ્ય ગણાતી ટાલની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.: ૬ મહિનાની સઘન સારવારથી અનેક લોકોમાં ટાલમાંથી મુકિતની આશા મળી

ગાંધીનગરઃ પ્રદૂષણ, માનસિક તણાવ અને ખોટી જીવનશૈલીને કારણે નાની ઉંમરે ટાલ પડી જવી એ અત્યારે એક ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ નિષ્ફળ જતી હોય છે, ત્યારે ગાંધીનગરના કોલાવડા સ્થિત ‘સ્ટેટ મોડલ આયુર્વેદ હોસ્પિટલ’ દ્વારા આયુર્વેદની શક્તિથી ગંભીર ટાલિયાપણાનો સફળ ઈલાજ કરવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લાની એક 34 વર્ષીય મહિલા છેલ્લા ઘણા સમયથી વાળ ખરવાની ગંભીર બીમારીથી પીડાતી હતી. અનેક નિષ્ણાત તબીબોની મોંઘી સલાહ અને વિવિધ સારવાર પદ્ધતિઓ અપનાવવા છતાં તેમને કોઈ જ સુધારો જોવા મળ્યો નહોતો. માથાના વાળ લગભગ સંપૂર્ણપણે ખરી ગયા હોવાથી આ મહિલા ભારે માનસિક તણાવ અને સામાજિક સંકોચ અનુભવતી હતી. અંતે, નિરાશ થઈને તેમણે ગાંધીનગરની આ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આશરો લીધો હતો.

શાલાક્ય તંત્ર વિભાગના વડા પ્રોફેસર કિરણ રાજની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરવામાં આવી હતી. દર્દીની મેડિકલ હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે તેમને ભૂતકાળમાં 'ઉંદરી' (Alopecia)ની તકલીફ થઈ હતી. જેમાં માથામાં સતત ખંજવાળ આવ્યા બાદ ધીમે-ધીમે બધા જ વાળ ખરી ગયા હતા અને લાંબા સમયથી સ્કાલ્પમાં વાળ જ જોવા મળતા નહોતા.

પ્રોફેસર કિરણ રાજે આયુર્વેદના શાસ્ત્રીય સિદ્ધાંતો મુજબ દર્દીની શારીરિક પ્રકૃતિનું વિશ્લેષણ કરી ખાસ કસ્ટમાઇઝ્ડ સારવાર શરૂ કરી હતી.

મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી વિશેષ સારવાર આપવામાં આવી હતી.

પરિણામ: લગભગ 6 મહિના સુધી ચાલેલી આ સઘન ચિકિત્સાના પરિણામે જે ભાગમાં સંપૂર્ણ ટાલ હતી, ત્યાં કુદરતી રીતે ફરીથી નવા વાળ ઉગવાનું શરૂ થયું છે.

આ સફળતા અંગે પ્રોફેસર કિરણ રાજે જણાવ્યું હતું કે, "જો વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવે, તો વર્ષો જૂની અને હઠીલી સમસ્યાઓમાં પણ કાયમી અને સચોટ પરિણામ મેળવી શકાય છે." આ કેસ સાબિત કરે છે કે આયુર્વેદ માત્ર ઉપરછલ્લો ઉપચાર નથી, પરંતુ તે રોગને મૂળમાંથી મટાડવાની તાકાત ધરાવે છે.

ગાંધીનગરની આ સરકારી હોસ્પિટલની સફળતાએ એ સાબિત કર્યું છે કે જટિલ રોગોના નિવારણ માટે સામાન્ય માણસે ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ કરવાની જરૂર નથી. આયુર્વેદ પ્રત્યે વધતો જતો આ વિશ્વાસ આગામી સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે તે નક્કી છે.

કુદરતી ઉપચાર અને ધૈર્ય દ્વારા અસાધ્ય ગણાતી ટાલની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકાય છે. ગાંધીનગરની આયુર્વેદ હોસ્પિટલનો આ કિસ્સો હજારો લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે.

(2:06 PM IST)