<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો દેખાઇઃ ફ્લાઈટ્સ રદ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની હવાઈ મુસાફરી પર માઠી અસરઃ સ્‍થિતિની ગંભીરતાને લઇને ખાસ એડવાઇઝરી જાહેર

અમદાવાદઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે એરસ્પેસ બંધ થવાને કારણે અને સુરક્ષાના કારણોસર અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેની અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પડી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

સ્થિતિની ગંભીરતાને જોતા અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ પર આવતા પહેલા મુસાફરોને તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોની આસપાસથી પસાર થતા રૂટ પરની ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર અથવા રદ થવાની શક્યતાને પગલે એરપોર્ટ તંત્ર સતત એરલાઇન્સ કંપનીઓના સંપર્કમાં છે.

 

મુસાફરોની મૂંઝવણ દૂર કરવા માટે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટર્મિનલ પર ખાસ 'હેલ્પ ડેસ્ક' શરૂ કરવામાં આવ્યા છે. અહીં મુસાફરો ફ્લાઈટના રિશેડ્યુલિંગ, રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થા વિશે માહિતી મેળવી શકે છે. એરપોર્ટ સ્ટાફને પણ મુસાફરો સાથે સંકલન સાધવા અને તેમને પૂરતી મદદ પૂરી પાડવા માટે સજ્જ કરવામાં આવ્યો છે.

 

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતા ખાસ કરીને કુવૈત, અબુ ધાબી અને મસ્કત જેવી મહત્વની કનેક્ટિંગ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ રૂટ પર મુસાફરી કરનારા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. ઘણા મુસાફરો કે જેઓ વ્યવસાય કે અંગત કામ માટે વિદેશ જવાના હતા, તેમની મુસાફરી અધવચ્ચે અટકી પડી છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને ટિકિટના પૈસા પરત આપવા અથવા ફ્લાઈટ રિશેડ્યુલ કરવાના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

 

ઈરાન અને ઈઝરાયેલના આકાશમાં ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકાતા હવે વિમાનોએ લાંબા રૂટ પરથી ઉડાન ભરવી પડી રહી છે. આના કારણે મુસાફરીના સમયમાં 2 થી 5 કલાકનો વધારો થયો છે. ઈંધણનો વપરાશ વધવાને કારણે આગામી દિવસોમાં એર ટિકિટના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. યુરોપ અને અમેરિકા તરફ જતી ફ્લાઈટ્સ પણ મધ્ય પૂર્વના તણાવને કારણે અન્ય રૂટ પર વાળવામાં આવી છે.

(2:07 PM IST)