News of Sunday, 1st March 2026
બોર્ડની પરીક્ષાનો ખૌફ: સુરત અને બારડોલીમાં બે આશાસ્પદ વિદ્યાર્થીઓએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા, કેમેસ્ટ્રીનું પેપર બન્યું કાળમુખું
વિજ્ઞાન પ્રવાહના છાત્રોમાં ફફડાટ: બાબેનમાં બીજી વખત પરીક્ષા આપતી ૨૦ વર્ષીય યુવતી અને ડીંડોલીમાં ૧૭ વર્ષના કિશોરે ભણતરના ભાર તળે આત્મઘાતી પગલું ભર્યું; સંતાનોના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા બે પરિવારોમાં છવાયો માતમ.

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના તણાવમાં સુરત જિલ્લામાં બે હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. સુરતના ડીંડોલી અને બારડોલીના બાબેન ગામે ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડર અને પેપર નબળું જવાના આઘાતમાં મોતને વહાલું કર્યું છે. બારડોલીના બાબેન ગામે રહેતી ૨૦ વર્ષીય ખુશી પાટીલ નામની વિદ્યાર્થિનીએ ગતરોજ કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) વિષયની પરીક્ષા આપી હતી. આ તેની બીજી ટ્રાયલ હોવાથી તેના પર પરિણામ સુધારવાનું ભારે દબાણ હતું. જોકે, પેપર અપેક્ષા મુજબનું ન જતાં તે ભારે માનસિક હતાશામાં સરી પડી હતી અને અંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બીજી કરુણ ઘટના સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારની છે. અહીં ઉમિયા નગર પાસે રહેતા ઈલેક્ટ્રિશિયન પ્રહલાદભાઈ પાટીલનો ૧૭ વર્ષીય પુત્ર શ્રીકાંત ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. શ્રીકાંત શુક્રવારની આખી રાત રસોડામાં બેસીને આગામી પેપરની તૈયારી કરી રહ્યો હતો. શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે જ્યારે પિતા રસોડામાં ગયા ત્યારે તેમનો એકનો એક પુત્ર પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પુત્રનો નિષ્પ્રાણ દેહ જોઈ પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીકાંત પણ બોર્ડની પરીક્ષાના અતિશય ભારણને સહન કરી શક્યો ન હતો અને આપઘાત કરી લીધો હતો.
આ બંને ઘટનાઓની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીંડોલી પોલીસે શ્રીકાંતના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પર અભ્યાસનું અને ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના અઘરા વિષયોનું જે માનસિક ભારણ હોય છે, તે ક્યારેક આ રીતે જીવલેણ સાબિત થાય છે. આ બંને પરિવારો મૂળ મહારાષ્ટ્રના વતની છે અને સુરતમાં રહી મધ્યમવર્ગીય જીવન જીવતા હતા. વ્હાલસોયા સંતાનોના અકાળે અવસાનથી બંને પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શિક્ષણવિદો અને મનોચિકિત્સકો આ ઘટનાઓને લાલબત્તી સમાન ગણાવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અત્યંત નાજુક હોય છે, ત્યારે વાલીઓએ તેમના પર વધુ પડતી અપેક્ષાઓનું ભારણ ન લાદવા અપીલ કરવામાં આવી છે. કેમેસ્ટ્રી જેવા વિષયોમાં ઘણીવાર વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે, પરંતુ જીવન પરીક્ષાના ગુણ કરતા અનેકગણું કિંમતી છે તે સમજાવવું અનિવાર્ય બન્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ બે ઘટનાઓએ સુરતના શૈક્ષણિક આલમને શોકમાં ગરકાવ કરી દીધું છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
