<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ગુજરાતના ટેક-ક્રાંતિના શંખનાદ: સાણંદ હવે વિશ્વના નકશા પર ‘સિલિકોન વેલી’ તરીકે ઓળખાશે, હર્ષ સંઘવીનું ગર્જનામય એલાન

ગાંધીનગરમાં ‘સેમિકનેક્ટ’ કોન્ફરન્સમાં રોકાણકારો માટે લાલ જાજમ; ધોલેરા અને સાણંદમાં ટેકનોલોજીનો નવો યુગ શરૂ થશે, હર્ષ સંઘવીએ કહ્યું- ‘ગુજરાતમાં રોકાણ એટલે આવનારી 10 પેઢીઓની સુરક્ષાની ગેરંટી’

ગાંધીનગર:ગુજરાત હવે વિશ્વના સેમિકન્ડક્ટર મેપ પર અગ્ર હરોળમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત 'સેમિકનેક્ટ' (SemiConnect) કોન્ફરન્સમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સાણંદ આગામી સમયમાં ભારતની નવી 'સિલિકોન વેલી' તરીકે ઉભરી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા ગુજરાતની ધરતી પરથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે મજબૂત પાયો નંખાયો છે, તેનાથી વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતામાં તોતિંગ વધારો થયો હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સાણંદ અને ધોલેરા SIR ને ટેકનોલોજીના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાની રણનીતિ સ્પષ્ટ કરતા મંત્રીએ ઉમેર્યું કે, અત્યાર સુધી સાણંદ માત્ર ઓટોમોબાઈલ સેક્ટર માટે જાણીતું હતું, પરંતુ હવે તે હાઈ-ટેક ચીપ મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશનનું કેન્દ્ર બનશે. ધોલેરામાં નિર્માણ પામી રહેલા વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે વિશ્વની મોટી ટેક-કંપનીઓ અત્યારે ગુજરાત તરફ નજર દોડાવી રહી છે. આ વિસ્તારો માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના અર્થતંત્રમાં ગેમ-ચેન્જર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રોકાણકારોને આકર્ષક આમંત્રણ આપતા હર્ષ સંઘવીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થિર નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે ટકોર કરી હતી કે, રોકાણકારોએ ક્ષણિક લાલચમાં આવીને અન્ય સ્થળોએ જવાને બદલે ગુજરાતની સુરક્ષિત ઈકો-સિસ્ટમ પર વિશ્વાસ મૂકવો જોઈએ. મંત્રીએ ખૂબ જ મજબૂત શબ્દોમાં ખાતરી આપી હતી કે, "ગુજરાતમાં કરેલું રોકાણ તમારી આવનારી 10 પેઢીઓ સુધી સલામત રહેશે." સરકાર રોકાણકારોના નવા આઈડિયાઝને આવકારવા અને તેમની તમામ વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા માટે ચોવીસ કલાક તત્પર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત સરકારે સંદેશ આપ્યો છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાત રણશિંગુ ફૂંકી ચૂક્યું છે. નવી સેમિકન્ડક્ટર નીતિ હેઠળ રોકાણકારોને મળતી સબસિડી અને પાયાની સુવિધાઓને કારણે સાણંદમાં ખૂબ જ ટૂંકા ગાળામાં અનેક મોટા પ્લાન્ટ્સ કાર્યરત થઈ જશે. જ્યારે વિશ્વ ચીપની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગુજરાતનું આ કદમ ભારતને 'ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ' બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

(2:57 PM IST)