<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ

દૂધિયા રોશનીથી ઝળહળતું મંદિર બન્યું આકર્ષણનું કેન્‍દ્રઃ ૩ કિ.મી. દૂરથી જોઇ શકાય છે લાઇટીંગ |

અમદાવાદઃ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. "જય રણછોડ, માખણ ચોર" ના ગુંજતા જયઘોષ સાથે લાખો પદયાત્રીઓ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. આ વર્ષે ડાકોરનું મંદિર પરિસર આધુનિક ટેક્નોલોજી અને ભક્તિમય વાતાવરણને કારણે દેવલોક સમાન ભાસી રહ્યું છે.

આ વર્ષે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરની સજાવટમાં વિશેષ આધુનિકતા લાવવામાં આવી છે. અત્યાધુનિક સારપિયન લાઈટોના ઉપયોગથી સમગ્ર મંદિર પરિસર શ્વેત દૂધિયા રોશનીમાં ન્હાઈ રહ્યું છે. આ લાઈટિંગની ખાસિયત એ છે કે મંદિરના શિખર પરથી નીકળતા પ્રકાશના કિરણો અંદાજે 3 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે, જે પદયાત્રીઓ માટે આશા અને ઉત્સાહનું કિરણ બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડ્રોન ફૂટેજમાં ડાકોર નગર રાત્રિના સમયે અત્યંત મનોહર અને દિવ્ય દેખાઈ રહ્યું છે.

લાખોની મેદનીને કાબૂમાં રાખવા અને પદયાત્રીઓની સુરક્ષા માટે ખેડા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે.

મહેમદાવાદથી ડાકોર સુધીના મુખ્ય માર્ગ પર કડક પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.

કોઈ પણ આપત્તિ કે ઈમરજન્સીના સમયે પદયાત્રીઓ સીધો વોટ્સએપ દ્વારા પોલીસનો સંપર્ક કરી શકે તેવી સુવિધા પ્રથમવાર મોટા પાયે અમલમાં મુકાઈ છે.

માર્ગમાં સતત પેટ્રોલિંગ દ્વારા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે.

પદયાત્રીઓને થાક કે બીમારીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગે સક્રિય ભૂમિકા ભજવી છે.

માર્ગમાં કુલ 12 હાઈ-ટેક મેડિકલ કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ 24 કલાક સેવામાં હાજર છે. 10 જેટલી '108' એમ્બ્યુલન્સ ગાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી ગંભીર દર્દીઓને તુરંત હોસ્પિટલ પહોંચાડી શકાય.

માર્ગમાં ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસ, શરબત, ભોજન અને આરામ માટેના વિશ્રામ ગૃહો બનાવવામાં આવ્યા છે. વડીલોથી લઈને નાના બાળકો સુધીના તમામ પદયાત્રીઓ કઠિન પદયાત્રા બાદ પણ ભગવાનના દર્શનની એક ઝલક મેળવવા માટે ભારે ઉત્સાહિત જણાતા હતા.

(3:23 PM IST)