તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવરંગપુરામાં સપાટો: રહેણાંક ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે પ્રજનન અને વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ : જુઓ વિડીયો
રાવલભાઈ એપાર્ટમેન્ટમાંથી દુર્લભ રેડ હેન્ડ ટેમરીન વાંદરો, મકાઉ અને આફ્રિકન ગ્રે પેરોટ સહિતના કિંમતી જીવો જપ્ત; ગીચ વિસ્તારમાં 'ઝૂનોટિક' રોગો ફેલાવવાનું જોખમ ઉભું કરનાર સંચાલકો સામે કડક તપાસના આદેશ

અમદાવાદ:અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને રહેણાંક મકાનમાં ચાલતા વિદેશી વન્યજીવોના ગેરકાયદેસર બ્રીડિંગ (પ્રજનન) અને વેચાણના કૌભાંડને ઝડપી પાડ્યું છે. 'રાવલભાઈ એપાર્ટમેન્ટ'માં ચાલતા આ વ્યવસાયિક કેન્દ્ર પર દરોડો પાડીને પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા અનેક દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરાવ્યા છે.
દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓનો જંગી જથ્થો ઝડપાયો
તપાસ દરમિયાન ફ્લેટમાંથી મોટી સંખ્યામાં વિદેશી જીવો મળી આવ્યા છે. જેમાં અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, ૦૭ પર્સિયન કેટ અને તેના બચ્ચાં, ૧૪ હૅમ્સ્ટર, ૧૫ મીની લો સસલા અને ૦૯ લેધર લેબ ડોફ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પક્ષીઓમાં ૦૬ આફ્રિકન ગ્રે પેરોટ, ૦૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ૦૩ એક્લેક્ટસ પેરોટ, ૦૪ સન કોનીપોર, ૦૨ ગાલા કોકાટુ અને સલ્ફર કોકાટુ સહિત મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોકાટીલ અને બજરીગર જપ્ત કરવામાં આવ્યા છે.
રહેણાંક વિસ્તારમાં ભયંકર રોગચાળાનું જોખમ
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા વન્યજીવો માટેના 'પરિવેશ' (PARIVESH) પોર્ટલના રજૂ કરેલા દસ્તાવેજો શંકાસ્પદ અને અધૂરા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વગર આટલી મોટી સંખ્યામાં જંગલી જીવો રાખવાથી 'ઝૂનોટિક' (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા) રોગોનું ગંભીર જોખમ ઉભું થયું હતું, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે તેમ હતું. રહેણાંક મકાનનો વ્યવસાયિક પ્રવૃત્તિ અને વન્યજીવ સંવર્ધન માટે ઉપયોગ કરવો એ પણ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
કસ્ટમ્સ અને વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
આ રેકેટની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોને ધ્યાને રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે આગળની તપાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), વન વિભાગ (Forest Department) અને કસ્ટમ્સ વિભાગને સાંકળ્યા છે. આ વિભાગો સંયુક્ત રીતે પ્રાણીઓની આયાતની કાયદેસરતા, દસ્તાવેજોની ખરાઈ અને જાહેર આરોગ્યના જોખમો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. આ પર્દાફાશને પગલે શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી પાલતુ પ્રાણીઓનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
