<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

રાજપીપળા સિવિલ હોસ્પિટલની લાલીયાવાડી:ઓર્થોપેડીક વિભાગમાં પ્લાસ્ટર કરતો કર્મી દર્દીને મૂકી જતો રહ્યો : ડોક્ટરે જાતે પ્લાસ્ટર માર્યું

પ્લાસ્ટર કરતા કર્મીની દાદાગીરી, કહ્યું દર્દીને ત્રણ વાગ્યા સુધી બેસાડી રાખો મારો જમવાનો સમય થઈ ગયો છે એટલે હું તો જમીને જ આવીશ, તમારે જેને ફરિયાદ કરવી હોય એને ફરિયાદ કરો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક અતિ ગંભીર ઘટના સામે આવી છે.એક 75 વર્ષના વૃદ્ધ દર્દી પગે પ્લાસ્ટર માટે બેઠા હતા,એ દરમિયાન બપોરે એક વાગે જમવાનો સમય થતા પ્લાસ્ટર કરતો કર્મચારી જતો રહ્યો હતો.જો કે ત્યાં હાજર ઓર્થોપેડીક ડૉક્ટરે જાતે વૃદ્ધ દર્દીને પ્લાસ્ટર મારી આપી માનવતા દાખવી હતી.તો બીજી બાજુ આ ઘટના મામલે વૃદ્ધ દર્દીના પુત્રએ ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવને પણ લેખિત ફરિયાદ કરી છે.

   ઘટના મુજબ રાજપીપળાના 75 વર્ષીય વૃદ્ધ નટુભાઈ મિસ્ત્રીના ડાબા પગની ઘૂંટીમાં ક્રેક હતી જેથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પાકું પ્લાસ્ટર મારવામાં આવ્યું હતું. રૂટિન ચેકઅપ મુજબ 27 મી ફેબ્રુઆરીએ ફરી ચેક અપ માટે ગયા ત્યારે ઓર્થોપેડીક તબીબે જુના પ્લાસ્ટર ઉપર જ નવું પ્લાસ્ટર મારી આપવાની સલાહ આપી હતી.એ દરમિયાન બપોરે 12:30 વાગે પ્લાસ્ટર વિભાગમાં દર્દીને લઈ જવાયા.ત્યારબાદ એક વાગ્યાનો સમય થયો એટલે પ્લાસ્ટર મારનાર કર્મી હાથ ધોઈ જમવા જતો રહ્યો.એ દરમિયાન દર્દીના પુત્રએ જ્યારે એ કર્મીને ટેલિફોનીક ફરિયાદ કરી ત્યારે એ કર્મી ત્યાં ફક્ત એટલું કહેવા જ આવ્યો હતો કે મારો જમવાનો સમય થઈ ગયો છે, તમે 3 વાગ્યા સુધી રહી જુઓ, અને જેને ફરિયાદ કરવી હોય એને કરો, આટલું કહી જતો રહ્યો હતો.જો કે આ તમામની વચ્ચે ઓર્થોપેડીક ડોક્ટર ડો.સમર્થ દુબેએ જાતે આ વૃદ્ધ દર્દીને પ્લાસ્ટર મારી આપી માનવતા દાખવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દર્દી નટુભાઈ મિસ્ત્રી ડાયાબીટીશ, બીપી સહિતની બીમારી વાળા વ્યક્તિ છે.એમણે બપોરનું ભોજન પણ લીધું નહોતું, એવામા ડો.સમર્થ દુબેએ જો જાતે પ્લાસ્ટર મારી ન આપ્યું હોત અને પ્લાસ્ટરની રાહ જોઈ બેસી રહ્યા હોત તો એમને જો કંઈક થઈ જાત તો એનો જવાબદાર કોણ એ પ્રશ્ન ઊભો થાય છે.આ બાબતે રાજપીપળા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો.નયન કોઠિયાએ જણાવ્યું હતું કે હું આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશ

(10:30 PM IST)