News of Monday, 2nd March 2026
ડાકોરમાં ફાગણી પૂનમના પવિત્ર અવસરે ભક્તિ અને રંગોનો સંગમ :ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
ભગવાન રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન અને તેમની સાથે હોળી રમવાના અનોખા લ્હાવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફાગણી પૂનમના પવિત્ર અવસરે ભક્તિ અને રંગોના સંગમથી છલકાઈ ઉઠ્યું છે. ભગવાન રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન અને તેમની સાથે હોળી રમવાના અનોખા લ્હાવા માટે વહેલી સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મંદિર પરિસર "જય રણછોડ, માખણચોર" અને "જય કનૈયા લાલ કી" ના નાદથી ગુંજી ઉઠ્યું છે, જાણે કીડિયારું ઉભરાયું હોય તેમ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.
રાજ્યભરમાંથી, ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાંથી, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે. અનેક ભાવિકો તો પગપાળા સંઘ રૂપે લાંબી મજલ કાપીને ઠાકોરજીના ચરણે શીશ ઝુકાવવા આવ્યા છે. દરેક ભક્ત ભગવાનની એક ઝલક મેળવવા અને તેમની સાથે હોળી રમવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે.
બપોરના બે વાગ્યાના સુમારે રાજભોગ આરતી માટે મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભગવાન રણછોડરાયજીને રીઝવવા માટે ભક્તો ફૂલહાર, મીઠાઈઓ અને વિવિધ રંગો લઈને આવ્યા હતા. મંદિરમાં પાંચ વાટક નવરંગોનો ખેલ કરીને ભગવાનને હોળી રમાડવામાં આવી રહી છે.
ભગવાન તરફથી ઉડાવવામાં આવતા ગુલાલથી ભક્તો પણ ભાવવિભોર બની રહ્યા છે અને પોતાને ભગવાન સાથે હોળી રમવાનો અવસર મળ્યો હોવાની ધન્યતા અનુભવી રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ દિવ્ય માહોલમાં તરબોળ જોવા મળ્યા હતા, કેટલાકની આંખોમાં તો ભાવુકતાના અશ્રુ પણ જોવા મળ્યા હતા.
પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અને સ્વયંસેવકો ખડેપગે રહીને વૃદ્ધો અને નાના બાળકોને દર્શન કરાવવામાં મદદ કરી રહ્યા છે. જોકે, ભીડને કારણે કેટલીક નાની અગવડો પણ ઊભી થઈ હતી, જેમ કે કેટલાક ભક્તોને જૂતા-ચપ્પલ હાથમાં લઈને પ્રવેશ કરવો પડ્યો હતો, જે થોડું અસામાન્ય દ્રશ્ય હતું.
આ વર્ષે હોળીના પર્વ પર કેટલાક અનોખા પાસા પણ જોવા મળ્યા છે. પ્રશાસનના મતે, બોર્ડની પરીક્ષાઓ અને ચંદ્રગ્રહણને કારણે હોળીના તહેવારની તારીખ અંગેના સંભવિત કન્ફ્યુઝન જેવા પરિબળોને લીધે દર વર્ષની સરખામણીએ ભીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં, રાજાધિરાજના દર્શન માટે ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા અડગ અને અતૂટ જોવા મળ્યા હતા. ડાકોરની ગલીઓ આજે "જય રણછોડ" ના નાદથી ગુંજી રહી છે અને તમામ માર્ગો રંગોથી શોભી ઉઠ્યા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
