News of Tuesday, 3rd March 2026
સુરત જિલ્લામાં કામરેજના નનસાડમાં રહેણાંક મકાનમાંથી સાપ મળ્યો
ફાયર વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામ પાસે આવેલી સુંદર વન સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સુરત ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું, જેનાથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
મળતી માહિતી મુજબ, સુંદર વન સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાયો હતો. ઘરમાં સાપ હોવાની જાણ થતાં જ પરિવારના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ERC કામરેજ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ સાપને પકડી પાડ્યો હતો. સાપ પકડાઈ જતાં પરિવારજનો અને આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલા સાપને બાદમાં તેના કુદરતી આવાસમાં, એટલે કે માનવ વસ્તીથી દૂર સુરક્ષિત સ્થળે લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો. કામરેજ ફાયર ટીમની આ કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
