<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

સુરતની હોટલમાં રહસ્યમય મોત: પ્રેમિકા સાથે ગયેલા 28 વર્ષીય યુવાનના મોઢામાંથી ફીણ નીકળ્યા અને જીવ ગુમાવ્યો

પર્વત પાટિયાના ફરસાણના વેપારીનું હોટલના રૂમમાં કરુણ મોત, ત્રણ વર્ષના પ્રેમસંબંધનો આવ્યો કરુણ અંત; પરિવારના લગ્ન માટેના ઈનકાર વચ્ચે યુવકના મોતે અનેક શંકા-કુશંકાઓ જન્માવી

સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં એક યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા 28 વર્ષીય વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે ડિંડોલીના જી-નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં રોકાયા હતા. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં અચાનક વિનેશની તબિયત લથડતા તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને તે પલકારામાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈ તેની પ્રેમિકાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તુરંત વિનેશના ભાઈને જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ વિનેશનો શ્વાસ થંભી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને વિનેશનો ભાઈ સમીર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં વિનેશને 'ખેંચ' (સેઝર) આવી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ હોટલના રૂમમાં અચાનક આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ અને મોઢામાંથી ફીણ નીકળવા પાછળ કોઈ અન્ય કારણ તો નથી ને, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન પુત્રના મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે.

ડિંડોલી પોલીસની ઊંડી તપાસમાં સામે આવ્યું છે કે વિનેશ અને તેની સાથે હાજર યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ બંનેના પરિવારજનો આ સંબંધનો સખત વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌટુંબિક તણાવ અને માનસિક દબાણ પણ યુવકના મોત પાછળ કોઈ ભૂમિકા ભજવી શકે છે કે કેમ, તે પોલીસ માટે તપાસનો વિષય છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને રૂમમાં તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે જેથી મોતનું રહસ્ય ઉકેલી શકાય.

હાલમાં પોલીસે પ્રેમિકા અને ભાઈ સમીરના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે. ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર, વિનેશના વિસેરા તપાસ માટે મોકલવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ મોત કુદરતી છે કે તેની પાછળ કોઈ ઝેરી પદાર્થ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે. એક તરફ લગ્ન માટેનો પરિવારનો વિરોધ અને બીજી તરફ યુવાનના રહસ્યમય મોતથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હવે પોલીસ તપાસમાં કઈ નવી વિગતો બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(11:07 AM IST)