News of Wednesday, 4th March 2026
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નોબલનગર પાસે મહિલા અને યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો, ગુંડાઓ બેફામ
પોલીસ સ્ટેશન જઈ રહેલા પરિવારને રસ્તામાં જ આંતરી ચાર શખ્સો તૂટી પડ્યા, લોહીલુહાણ હાલતમાં પણ પોલીસ 'હદ વિવાદ'માં અટવાઈ; સુરક્ષિત શહેરના દાવાઓ વચ્ચે અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક અને ખાખીની નિષ્ક્રિયતા સામે જનરોષ

અમદાવાદ: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ હવે અસામાજિક તત્વો માટે મોકળું મેદાન બની રહ્યું હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના નોબલનગર ટર્નિંગ પાસે ગઈકાલે ૩ માર્ચની રાત્રે ધોળે દિવસે કાયદાનો ડર રાખ્યા વગર ચાર શખ્સોએ એક યુવક અને મહિલા પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. પીડિત યુવક પોતાની અંગત અદાવતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, ત્યારે જ તેને રસ્તામાં આંતરી લેવામાં આવ્યો હતો. હુમલાખોરોએ નિર્દયતાની તમામ હદો વટાવીને યુવકને બેફામ માર માર્યો હતો અને જ્યારે તેને બચાવવા મહિલાઓ વચ્ચે પડી, ત્યારે ગુંડાઓએ તેમના પર પણ લાકડીઓનો વરસાદ વરસાવ્યો હતો, જેમાં મહિલા ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનીક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાઓ બૂમો પાડી રહી હતી અને આજીજી કરી રહી હતી, તેમ છતાં હુમલાખોરોએ જરા પણ દયા દાખવી નહોતી. હુમલાખોરોએ મહિલાના હાથ અને શરીર પર લાકડીના ફટકા મારીને તેને અધમૂઈ કરી નાખી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હોળીના તહેવારને લઈને પોલીસ સઘન પેટ્રોલિંગના દાવા કરી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં ગુનેગારોને પોલીસ કે કાયદાનો સહેજ પણ ખોફ રહ્યો નથી તેવું આ દ્રશ્યો પરથી સાબિત થાય છે.
ઘટના બાદ જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીડિત પરિવાર મદદ માટે વલખાં મારી રહ્યો હતો, ત્યારે પોલીસની કાર્યશૈલીએ માનવતાને શર્મસાર કરી હતી. સ્થળ પર પહોંચેલી સરદારનગર અને એરપોર્ટ પોલીસ વચ્ચે મદદ કરવાને બદલે 'હદ વિવાદ' શરૂ થયો હતો. પીડિતો લોહીલુહાણ હાલતમાં ન્યાય માટે આક્રંદ કરી રહ્યા હતા અને પોલીસ અધિકારીઓ આ વિસ્તાર કયા પોલીસ મથકની હદમાં આવે છે તે નક્કી કરવામાં સમય વેડફી રહ્યા હતા. પોલીસની આ ઢીલી અને બિનજવાબદાર નીતિને કારણે અસામાજિક તત્વોને છૂટોદોર મળી રહ્યો હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે.
ભારે આક્રોશ સાથે ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે, "અમે ન્યાય માટે પોલીસ પાસે જતા હતા અને રસ્તામાં જ અમારી પર હુમલો થયો, હવે પોલીસ હદના બહાના હેઠળ અમને ધક્કે ચઢાવી રહી છે." અમદાવાદમાં સતત વધી રહેલી ગુનાખોરી અને પોલીસના પેટ્રોલિંગના પોકળ દાવાઓ સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોળી-ધૂળેટીના પર્વ પર જ્યારે લોકો સુરક્ષાની આશા રાખતા હોય, ત્યારે સરેઆમ રસ્તા પર થતા આવા હુમલા અને પોલીસની નિષ્ક્રિયતા શહેરની શાંતિ સામે મોટું જોખમ ઊભું કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે હુમલાખોરો સામે કડક પગલાં ભરે છે કે પછી 'હદ' ના કાગળોમાં જ આ કેસ દબાઈ જશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
