News of Wednesday, 4th March 2026
ગ્રાન્ટેડ કોલેજોના વહીવટી સ્ટાફ માટે દિવાળી જેવો માહોલ: ફિક્સ પગારના ૫ વર્ષને સરકારે આપી મંજૂરી, પ્રમોશન અને નિવૃત્તિના લાભોનો માર્ગ મોકળો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય: વર્ષોની સેવાને હવે મળશે સત્તાવાર માન્યતા, ઉચ્ચ પગાર ધોરણની ગણતરીમાં ફિક્સ પગારનો સમયગાળો સામેલ થતા કર્મચારીઓમાં ભારે હર્ષોલ્લાસ

ગાંધીનગર: રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) કોલેજોમાં વર્ષોથી વહીવટી કામગીરી સંભાળતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ગ્રાન્ટેડ કોલેજોના વહીવટી સ્ટાફ દ્વારા ફિક્સ પગાર હેઠળ પૂર્ણ કરવામાં આવેલા પાંચ વર્ષના સેવાકાળને બઢતી (પ્રમોશન) અને ઉચ્ચ પગાર ધોરણની ગણતરીમાં માન્ય રાખવામાં આવશે. આ ઐતિહાસિક સુધારાને કારણે ફિક્સ પગારના સમયગાળાને અત્યાર સુધી જે 'ડેડ પિરિયડ' ગણવામાં આવતો હતો, તેને હવે વ્યાવસાયિક કારકિર્દીના ભાગ રૂપે ગણતરીમાં લેવામાં આવશે, જે કર્મચારીઓ માટે આર્થિક અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ મોટો વિજય માનવામાં આવે છે.
સરકારના આ નવા ફેરફારથી માત્ર પ્રમોશન જ નહીં, પરંતુ નિવૃત્તિ સમયે મળતા લાભોની ગણતરીમાં પણ આ પાંચ વર્ષનો સમયગાળો ઉમેરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કર્મચારી જ્યારે ઉચ્ચ પગાર ધોરણ માટે પાત્ર બનશે ત્યારે તેના ફિક્સ પગારના વર્ષોને પાયા તરીકે ધ્યાનમાં લેવાશે. જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળો નોશનલ લાભ કે વધારાના ઈજાફા (ઇન્ક્રીમેન્ટ) માટે ગણવામાં આવશે નહીં. આ નિર્ણયથી ખાસ કરીને એવા કર્મચારીઓને મોટી રાહત મળી છે જેઓ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અથવા જેમના પ્રમોશન લાંબા સમયથી આ ટેકનિકલ કારણોસર અટવાયેલા હતા.
રાજ્ય સરકારના આ પગલાથી ગ્રાન્ટેડ કોલેજોના સેંકડો વહીવટી કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી સંગઠનો દ્વારા કરવામાં આવતી રજૂઆતોનો સુખદ અંત આવ્યો છે, જેનાથી કર્મચારીઓને હવે વ્યવસાયિક સ્થિરતાનો અનુભવ થશે. પેન્શન યોજનાના સંદર્ભમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે જૂની કે નવી પેન્શન યોજનામાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને નાણા વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ યથાવત રહેશે. આમ છતાં, સેવાના વર્ષોને સત્તાવાર ગણતરીમાં લેવાના નિર્ણયને શિક્ષણ જગતમાં સરકારના એક સકારાત્મક અને પ્રોત્સાહક અભિગમ તરીકે જોવામાં આવી રહ્યો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
