<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ચાર મહિનામાં ૫૦,૦૦૦ કરતા વધુ નવા જીએસટી રજિસ્‍ટ્રેશન

ટેક્‍સ પેયર્સની કુલ સંખ્‍યા ૧૩,૨૫,૩૨૪ થી વધીને ૧૩,૮૨,૩૪૧ થઈ

અમદાવાદ  તા.૫: ગુજરાતમાં છેલ્‍લા કેટલાક મહિનાઓમાં જીએસટી નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જીએસટી પોર્ટલના ડેટા અનુસાર, રાજ્‍યમાં ૩૧ ઓક્‍ટોબર, ૨૦૨૫ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ વચ્‍ચે ૫૭,૦૧૮ નવા જીએસટી રજિસ્‍ટ્રેશન ઉમેરાયા છે,  જેનાથી ટેક્‍સ પેયર્સની કુલ સંખ્‍યા ૧૩,૨૫,૩૨૪ થી વધીને ૧૩,૮૨,૩૪૧ થઈ હોવાનું જણાઈ આવે છે.

જોકે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં નવેમ્‍બર મહિનાથી અત્‍યાર સુધીમાં પાંચ લાખનો વધારો જોવા મળ્‍યો છે. આ વધારાનું મુખ્‍ય કારણે જીએસટી રજિસ્‍ટ્રેશનમાં જોવા મળતી સરળતા હોવાનું નિષ્‍ણાતો જણાવે છે. ગયા વર્ષથી જીએસટીની જટિલ પ્રક્રિયાને પ્રમાણમાં સરળ કરવામાં આવી હતી. માત્ર ત્રણ દિવસમાં એસએમએસ-બેઝડ રજિસ્‍ટ્રેશન થઈ શકે છે અને સાથે ઓછા દસ્‍તાવેજો રજૂ કરવાના હોવાથી અરજદારો ઉત્‍સાહ બતાવી રહ્યા હોવાનું પણ નિષ્‍ણાતો જણાવે છે.

આ ઉપરાંત નવેમ્‍બર ૨૦૨૫ માં રજૂ કરાયેલા નાના અને ઓછા જોખમવાળા વ્‍યવસાયો માટે રૂ. ૨૫ લાખની નોંધણી મર્યાદામાં ઘટાડો થયો છે. આ પગલાથી મોટી સંખ્‍યામાં નાના અને મધ્‍યમ ઉદ્યોગોને ટેક્‍સ સિસ્‍ટમમાં ઔપચારિક રીતે જોડવાનું શક્‍ય બન્‍યું છે.

ઈ-ઈનવોઈસિગ અને ઈ-વે બિલ ઈન્‍ટીગ્રેશન અપનાવવાથી વહીવટી પ્રક્રિયાઓ પણ સુવ્‍યવસ્‍થિત થઈ છે, આ પણ એક કારણ હોવાનું નિષ્‍ણાતો જણાવે છે. આ સાથે વધતું જતું ઈમ્‍પોર્ટ અને ઈ-કોમર્સ એક્‍ટિવિટી પણ આ માટે જવાબદાર હોવાનું નિષ્‍ણાતો જણાવે છે. 

(4:03 PM IST)