News of Thursday, 5th March 2026
ગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મોટો નિર્ણય - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત : આવશ્યક દવાઓની યાદીમાં ૧૫૦ નવી દવાઓનો ઉમેરો, કુલ સંખ્યા ૧,૪૭૯ પર પહોંચી
વર્ષ ૨૦૨૫-૨૬ માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટ રિવાઇઝ કરાયું; હૃદયરોગ, કેન્સર અને શ્વસનતંત્રની જીવનરક્ષક દવાઓ હવે છેવાડાના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળશે, બિનજરૂરી ૫૭ દવાઓ રદ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નાગરિકોની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List - EDL) માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે હવે રાજ્યના સરકારી દવાખાનાઓમાં અદ્યતન અને વધુ અસરકારક દવાઓનો જથ્થો ઉપલબ્ધ બનશે.
દવાઓની યાદીનું નવું માળખું
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી સમીક્ષા બાદ, વર્ષ ૨૦૨૪-૨૫માં અસ્તિત્વમાં રહેલી ૧,૩૮૬ દવાઓની યાદીમાં ૧૫૦ નવી દવાઓ ઉમેરવામાં આવી છે. આ સાથે જ જે દવાઓ હવે બિનજરૂરી જણાઈ હતી તેવી ૫૭ દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે રાજ્યમાં કુલ ૧,૪૭૯ જેટલી સર્જિકલ, ડાયગ્નોસ્ટિક અને અન્ય દવાઓ દર્દીઓને ઉપલબ્ધ થશે.
કયા રોગોની દવાઓમાં થયો વધારો?
આરોગ્ય મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
* એન્ટી-ઈન્ફેક્ટિવ: ૨૦૨ થી વધારીને ૨૧૬ કરાઈ.
* શ્વસનતંત્રની દવાઓ: ૨૯ થી વધારીને ૪૦ કરાઈ.
* આંખની દવાઓ: ૫૧ થી વધારીને ૫૮ કરાઈ.
* મેડિકલ ડિવાઈસીસ: ૨૮૭ થી વધારીને ૩૪૯ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, હૃદયરોગની ૧૧૬, કેન્સરની ૫૬, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની ૭૫ અને માનસિક રોગોની ૪૩ દવાઓનો આધુનિક યાદીમાં સમાવેશ કરાયો છે.
ગામડાથી શહેર સુધી વિનામૂલ્યે સારવાર
રાજ્ય સરકારની આ ડ્રગ ફોર્મ્યુલરી મુજબ, પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ, સેકન્ડરી કક્ષાની ૬૨૮ અને ટર્સરી કક્ષાની ૧,૪૭૫ દવાઓનું માળખું તૈયાર કરાયું છે. આ તમામ દવાઓ અને સર્જિકલ આઈટમ્સ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) થી લઈને મોટા શહેરોની સિવિલ હોસ્પિટલો અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધી તમામ સ્તરે દર્દીઓને મફતમાં પૂરી પાડવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ મળે તે જ સરકારની પ્રાથમિકતા છે. દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરીને તેને અદ્યતન બનાવવામાં આવે છે જેથી રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને આધુનિક તબીબી સેવાઓનો લાભ મળી શકે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
