તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા: રીવા (MP) થી દેશવ્યાપી સાયબર ફ્રોડ અને ગેમિંગ રેકેટ ચલાવતી નવ આરોપીઓની ગેંગ ઝડપાઈ : જુઓ વિડીયો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ મિર્ઝાપુરથી પ્રાંશુ પાઠક અને રીવા ખાતેથી મોહમદ ગુલફામ સહિત આઠ સાગરીતો પકડાયા; ૩૯૧ બેંક ખાતાઓ દ્વારા ₹૧૯.૨૪ કરોડનું ફ્રોડ ખુલ્યું

રાજકોટ: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા મધ્યપ્રદેશના રીવા ખાતેથી એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રેલવેના નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે થયેલી ₹૮.૧૨ લાખની છેતરપિંડીની તપાસમાં સુરત પોલીસે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડીને કુલ ૦૯ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી ભાડે ફ્લેટ રાખીને બેટિંગ વેબસાઇટ અને ડિજિટલ લિંક દ્વારા લોકોના નાણાં ખંખેરતી હતી.
સિનિયર સિટીઝન સાથે છેતરપિંડીની ઘટના
વેસ્ટર્ન રેલવેમાંથી નિવૃત્ત થયેલા એક ફરિયાદીને તા. ૦૫/૧૨/૨૦૨૫ ના રોજ આરોપીઓએ ડી.આર.એમ. ઓફિસમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. પેન્શન ચાલુ કરવાના બહાને બનાવટી ડિજિટલ લિંક મોકલી ફરિયાદીનો મોબાઈલ હેક કરી લીધો હતો અને તેમના બેંક ખાતામાંથી પ્રોવિડન્ટ ફંડના કુલ ₹૮,૧૨,૫૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ મળતા એસીપી એસ.ઇ. ડેન્યલ્સ અને પી.આઈ. એમ.સી. નાયકની ટીમે તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીઓની વિગત
પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર અને મધ્યપ્રદેશના રીવા ખાતેથી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:
૧. પ્રાંશુ ઉર્ફે પ્રિયાંશુ વિનોદ પાઠક (રહે. મિર્ઝાપુર, UP)
૨. મોહમદ ગુલફામ જાકીર હુસૈન (રહે. રીવા, MP)
૩. અભિનવ રાજેશ્રીપ્રસાદ પાંડે (રહે. રીવા, MP)
૪. સમીર નાઝીમ હુસૈન (રહે. રીવા, MP)
૫. ધર્મરાજ મુન્નુરામ વિશ્વકર્મા (રહે. રીવા, MP)
૬. આદિત્ય જયકુમાર સહાની (રહે. રીવા, MP)
૭. આફતાબ મહબુબ હુસૈન (રહે. રીવા, MP)
૮. તૌફીક અલી તૌકીર અહમદ અલી (રહે. રીવા, MP)
૯. શાહનવાઝ મેહતાબ અલી (રહે. રીવા, MP)
ઓપરેશન અને રિકવરી
આરોપીઓ રીવા ખાતે ₹૧૫,૦૦૦/- ના ભાડે ફ્લેટ રાખી 'BetBook247.com' નામની વેબસાઇટ દ્વારા ગેમિંગ અને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
* મોબાઈલ: ૨૭ નંગ
* ડેબિટ કાર્ડ: ૫૧ નંગ
* પાસબુક: ૨૩ નંગ અને ચેકબુક: ૧૩ નંગ
* લેપટોપ: ૦૩ નંગ, રાઉટર: ૦૧ નંગ
* હિસાબની બુક: ૦૪ નંગ
દેશભરમાં ₹૧૯ કરોડનું કૌભાંડ
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓના કબજામાંથી મળેલા બેંક એકાઉન્ટ્સ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચેક કરતા કુલ ૩૯૧ બેંક ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં ૧૧૦ જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ₹૧૯,૨૪,૪૭,૮૮૮/- નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ રેકેટના મુખ્ય સૂત્રધારો ચેતન અને શુભ ઉર્ફે બજરંગબલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. હાલમાં નામદાર કોર્ટે આરોપીઓના ૦૫ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને જો છેતરપિંડી થાય તો તુરંત જ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
