<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

આણંદની આયુર્વેદિક કોલેજની વિદ્યાર્થિનીનો પીજી હોસ્‍ટેલમાં આપઘાત, પોલીસ તપાસ શરૂ

આણંદ, તા.૬: જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં દહેમીની આયુર્વેદિક કોલેજમાં અભ્‍યાસ કરતી એક વિદ્યાર્થિનીએ વિદ્યાનગર સ્‍થિત સ્‍ટેન્‍ઝા લિવિંગ ગર્લ્‍સ હોસ્‍ટેલમાં અગમ્‍ય કારણોસર આત્‍મહત્‍યા કરી લીધી છે.

આ બનાવને પગલે સમગ્ર વિસ્‍તાર અને કોલેજ કેમ્‍પસમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસનો કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે હોસ્‍ટેલના રૂમની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થિનીના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્‍પિટલમાં ખસેડ્‍યો છે.

આશાસ્‍પદ યુવતીએ કયા કારણોસર આટલું મોટું અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. જોકે, પોલીસે હોસ્‍ટેલની અન્‍ય વિદ્યાર્થિનીઓ, સંચાલકો અને મળતકના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સના અહેવાલો મુજબ, તાજેતરમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવના અનેક કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે, ત્‍યારે આ ઘટના પાછળ કોઈ શૈક્ષણિક દબાણ હતું કે અન્‍ય કોઈ અંગત કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(2:32 PM IST)