<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ભાજપમાં ‘એક વ્‍યકિત - એક હોદ્દો'નો નિયમ માત્ર કાર્યકરો માટે જ ? દિગ્‍ગજોને છૂટછાટ!!

સ્‍થાનિક કાર્યકરોમાં આંતરીક ગણગણાટ સાથે કચવાટ : મોટા નેતાઓને બબ્‍બે-ત્રણ ત્રણ હોદ્દાની છૂટ ? સામાન્‍ય કાર્યકર્તાઓ માટે જકડી રાખતા નિયમો ?

ગુજરાત ભાજપમાં 'એક વ્‍યક્‍તિ, એક હોદ્દા' નો સિદ્ધાંત માત્ર પાયાના કાર્યકર્તાઓ પૂરતો જ સીમિત રહ્યો હોવાની વ્‍યાપક ચર્ચા પક્ષમાં શરૂ થઈ છે. તાજેતરમાં અનેક ધારાસભ્‍યો, સાંસદો અને પ્રદેશ નેતાઓને વધારાની જવાબદારીઓ સોંપાતા, ભૂતકાળમાં આ જ નિયમોના નામે હોદ્દા ગુમાવનારા સ્‍થાનિક કાર્યકરોમાં નિરાશા અને સવાલો ઊભા થયા છે.

ભારતીય જનતા પાર્ટી શિસ્‍તબદ્ધ અને સિદ્ધાંતો પર ચાલતી પાર્ટી ગણાય છે. પરંતુ તાજેતરની નિમણૂકો અને જવાબદારીઓની વહેંચણી જોતાં પક્ષના જ કાર્યકર્તાઓમાં 'એક વ્‍યક્‍તિ, એક હોદ્દો' ના નિયમની સમાન અમલવારી અંગે આંતરિક સવાલો ઊઠી રહ્યા છે.

ડિજિટલ મીડિયા અને પક્ષના આંતરિક વર્તુળોમાંથી વહેતા થયેલા એક અહેવાલ મુજબ, પક્ષમાં બેવડાં ધોરણો અપનાવાઈ રહ્યા હોવાની લાગણી પાયાના કાર્યકરોમાં વ્‍યાપી છે.

* નેતાઓને બહુવિધ હોદ્દાઓ : એવી ચર્ચા છે કે માત્ર સામાન્‍ય કાર્યકરોને જ 'એક વ્‍યક્‍તિ, એક હોદ્દો' નો નિયમ કડકાઈથી લાગુ પડે છે. અહેવાલો અનુસાર, રાજકોટના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે એકસાથે ત્રણ હોદ્દા ધરાવે છે (જેમાં માંડવીના ધારાસભ્‍ય, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અને રાજકોટ શહેરના પ્રભારીનો સમાવેશ થાય છે). આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અનેક સભ્‍યોને બે હોદ્દાઓ આપવામાં આવ્‍યા છે.

* અન્‍ય નેતાઓના ઉદાહરણો : વાયરલ પત્રમાં અનેક મોટા નામોનો ઉલ્‍લેખ છે. જેમાં કેન્‍દ્રીય કેબિનેટ પ્રધાન શ્રી સી.આર. પાટીલ (જેઓ એક સમયે સંસદસભ્‍ય અને પ્રદેશ પ્રમુખ બંને પદ પર રહ્યા), સર્વશ્રી જગદીશ વિશ્વકર્મા, રાજેશ ચુડાસમા, ગૌતમ ગેડિયા, રસિકભાઈ પ્રજાપતિ, નટુજી ઠાકોર, ગીતાબેન રાઠવા, ભરત પંડ્‍યા, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્‍દ્રસિહ ચૌહાણ, હેમાંગ જોશી, ગણપત વસાવા અને કિરીટ સોલંકી જેવા દિગ્‍ગજ નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ એક કરતા વધુ જવાબદારીઓ અથવા હોદ્દાઓ સંભાળી રહ્યા છે.

* સામાન્‍ય કાર્યકરોની વેદના : ભૂતકાળમાં પ્રદેશ સ્‍તરે ‘ડબલ હોદ્દા' નો નિયમ કડક બનાવીને અનેક સામાન્‍ય કાર્યકર્તાઓને પદ પરથી હટાવવામાં આવ્‍યા હોવાનો દાવો થઈ રહ્યો છે. રાજકોટમાં જ ડબલ હોદ્દા ધરાવતા ૧૦ થી વધુ કાર્યકર્તાઓના રાજીનામા લેવાયાના દાખલા છે, જેના કારણે સ્‍થાનિક સ્‍તરે નારાજગી જોવા મળી રહી છે.

* નિયમો માત્ર પાયાના સ્‍તરે?: કાર્યકરોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ‘એક વ્‍યક્‍તિ એક હોદ્દો', ‘બે ટર્મ કોર્પોરેટર' અથવા ‘૬૦ વર્ષથી નીચેની ઉંમર' જેવા નિયમો માત્ર બૂથ લેવલ પર તનતોડ મહેનત કરતા કાર્યકર્તાઓ માટે જ છે? ભૂતકાળમાં પ્રદેશ કારોબારીના સભ્‍યોને પ્રભારી તરીકેની જવાબદારીમાંથી દૂર કરાયા હતા, પરંતુ હવે ફરીથી એ જ પ્રથા જોવા મળી રહી છે.

આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે, ત્‍યારે જો આ જ રીતે એક વ્‍યક્‍તિ પાસે બહુવિધ હોદ્દાઓ રહેશે, તો ટિકિટ વહેંચણી વખતે પણ જૂથવાદ કે વિખવાદ થવાની સંભાવના નકારી શકાય નહીં.

પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હાલ શિસ્‍તના ભાગરૂપે કદાચ મૌન ધારણ કરી રહ્યા છે, પરંતુ આ સ્‍થિતિ પક્ષના સંગઠન માટે એક પડકાર બની શકે કેમ હોવાની પણ વ્‍યાપક ચર્ચા જોવા મળે છે.

(3:35 PM IST)