<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

જેતલપુરધામમાં ભક્તિ અને સન્માનનો ત્રિવેણી સંગમ: ૨૦૦ વર્ષના ‘અવસર’માં ગુજરાતના પદ્મશ્રી રત્નો ઝળક્યા, શાહબુદ્દીન રાઠોડથી લઈ ભીખુદાન ગઢવી સુધીના મહાનુભાવોનું સન્માન

સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે સ્થાપેલા રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી; કાશી વિશ્વનાથના પૂજારી અને સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ

જેતલપુર:  અમદાવાદ પાસે આવેલું પવિત્ર સ્વામિનારાયણ જેતલપુરધામ અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપેલા નવ મંદિરો પૈકીના એક એવા જેતલપુરધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. મહોત્સવના બીજા દિવસે ગુજરાતનું નામ રોશન કરનાર ‘પદ્મશ્રી’ એવોર્ડ વિજેતા વિભૂતિઓનું સન્માન કરીને આ અવસરને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં સાહિત્ય, કલા અને સમાજ સેવા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડ, લોકગાયક ભીખુદાન ગઢવી, ખ્યાતનામ લેખક રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, ચંદ્રકાંત શેઠ અને નીલેશ માંડલેવાલા સહિતના દિગ્ગજોને જેતલપુરધામના આંગણે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મૂર્ધન્ય કલાકારોની હાજરીથી વાતાવરણમાં આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક ગૌરવની લહેર જોવા મળી હતી.

કાશીથી જેતલપુર સુધી ગુંજ્યો ભક્તિનાદ

મહોત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી તીર્થરાજ ત્રિપાઠીએ હાજરી આપી હતી અને મોટા મહારાજનું સન્માન કર્યું હતું. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને વીએચપીના અગ્રણી જયદીપ પટેલ પણ આ દિવ્ય મહોત્સવના સાક્ષી બન્યા હતા. નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભાવી આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષસ્થાને આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે.

૧૧ માર્ચે શિખર પર પહોંચશે મહોત્સવ

ઉલ્લેખનીય છે કે, ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ આ ઐતિહાસિક મૂર્તિઓની સ્થાપનાને બરાબર ૨૦૦ વર્ષ પૂર્ણ થશે. ૦૫ માર્ચથી શરૂ થયેલો આ ‘અવસર’ આગામી ૧૧ માર્ચ સુધી ચાલશે, જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. જેતલપુરધામનો આ ઉત્સવ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો છે.

(9:22 PM IST)